VIDEO: રાહુલ ગાંધીના રોડ શોમાં વિસ્ફોટ, ભીષણ આગની જ્વાળાઓથી માંડ માંડ બચ્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના પ્રવાસમાં માંડ માંડ બચી ગયા છે. રાહુલ જ્યારે જબલપુરમાં રોડ શો કરી રહ્યાં હતાં ત્યારે તે વખતે અકસ્માતનો શિકાર થતા થતા બચ્યાં.
જબલપુર: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના પ્રવાસમાં માંડ માંડ બચી ગયા છે. રાહુલ જ્યારે જબલપુરમાં રોડ શો કરી રહ્યાં હતાં ત્યારે તે વખતે અકસ્માતનો શિકાર થતા થતા બચ્યાં. કહેવાય છે કે રાહુલના સ્વાગત માટે લાવવામાં આવેલા બલુનમાં અચાનક આગ લાગી ગઈ. આગની જ્વાળાઓ એટલી મોટી હતી કે તે રાહુલની નજીક પહોંચી ગઈ હતી. નસીબ જોગે ત્યાં હાજર રહેલા કોંગ્રેસના નેતાઓ સમયસર રાહુલ ગાંધીને બીજી જગ્યાએ લઈ જવામાં સફળ રહ્યાં.
રાહુલ ગાંધી શનિવારે જબલપુરમાં રોડ શો કરી રહ્યાં હતાં. શાસ્ત્રી બ્રિજ પર કાર્યકર્તાઓએ રાહુલના સ્વાગત માટે બલુનની સજાવટ કરી હતી. રાહુલનો કાફલો જેવો ત્યાં પહોંચ્યો કે બલુનમાં આગ લાગી ગઈ. કહેવાય છે કે આ આગ દીવાના કારણે લાગી. આ દીવા રાહુલની આરતી ઉતારવા માટે મંગાવવામાંઆવ્યાં હતાં. તેમના સંપર્કમાં આવતા જ બલુન્સમાં આગ લાગી ગઈ.
આગના સંપર્કમાં આવ્યા બાદ બલુન્સ મોટા અવાજ સાથે ફાટવાના શરૂ થઈ ગયાં. આગની લપેટો રાહુલ સુધી પહોંચી રહી હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે રાહુલ ગાંધી સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ પણ હાજર હતાં. બંને નેતાઓ જેમ તેમ કરીને ત્યાંથી બચી નીકળ્યાં.
આગના કારણે ત્યાં ભાગદોડ મચી ગઈ. કાર્યકર્તાઓમાં મચેલી ભાગદોડના કારણે સ્વાગત મંચ પણ તૂટી ગયો. જો કે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.