કમલનાથનો ડર કે કોઈ અન્ય પ્લાન? ભાજપે પોતાના ધારાસભ્યોને ભોપાલથી કર્યાં શિફ્ટ
આ વચ્ચે ભાજપ પોતાના ધારાસભ્યોને મધ્યપ્રદેશથી બહાર મોકલી રહી છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજકીય ઘટનાક્રમમાં છેલ્લી 24 કલાકથી સતત ફેરફાર થઈ રહ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાનો રાજકીય કલર બદલી ગયો છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને તે હવે ભાજપમાં જોડાશે. સિંધિયાના રાજીનામાં બાદ 22 કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામાં આપી દીધા છે. એક તરફ જ્યાં કમલનાથ સરકાર પર ખતરો લાગી રહ્યો છે તો ભાજપ સરકાર બનાવવા માટે આગળ પગલાં માંડી રહ્યું છે.
આ વચ્ચે ભાજપ પોતાના ધારાસભ્યોને મધ્યપ્રદેશથી બહાર મોકલી રહી છે. ભોપાલમાં ભાજપ કાર્યાલય પરથી ધારાસભ્યોને ભરીને બસો રવાના થઈ રહી છે. ભાજપ પોતાના ધારાસભ્યોને દિલ્હી, ગુજરાત કે હરિયાણા મોકલી શકે છે. મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્યોને લઈને બે બસો મંગળવારે રાત્રે 9.30 કલાક આસપાસ રવાના થઈ હતી. પરંતુ ભાજપના ધારાસભ્યો કહી રહ્યાં છે કે અમે હોળી ઉજવવા જઈ રહ્યાં છીએ.
સૂત્રોએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને ચાર્ટેડ પ્લેનથી દિલ્હી લઈ જવામાં આવશે. 125 સીટોનું વિમાન તે માટે બુક કરવામાં આવ્યું છે. બેઠકમાં સિંધિયાના નામની ચર્ચા થઈ નથી. અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની સામે ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવશે. સિંધિયા સમર્થક ધારાસભ્યોને પણ દિલ્હી લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.