MP: સતનામાં વિદ્યાર્થીઓ ભરેલી ગાડી અને બસ વચ્ચે ભીષણ ટક્કર, ડ્રાઈવર સહિત 7 બાળકોના મોત
મધ્ય પ્રદેશના સતના જિલ્લાના તુરકહા બિરસિંગપુર પાસે શાળાની એક વાન અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઈ. જેમાં 7 બાળકો સહિત ડ્રાઈવરના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં.
સતના: મધ્ય પ્રદેશના સતના જિલ્લાના તુરકહા બિરસિંગપુર પાસે શાળાની એક વાન અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઈ. જેમાં 7 બાળકો સહિત ડ્રાઈવરના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં. અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ તુરકહા બિરસિંગપુર પાસે રાજૂ કોચ બસ ક્રમાંક MP 17 P-0885 રીવા-ચિત્રકૂટ પૂરપાટ ઝડપે આવી રહી હતી અને અચાનક જ ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવ્યો અને બસ સામેથી આવી રહેલી સ્કૂલ મેજિક સાથે ટકરાઈ. અકસ્માત એટલો ભીષણ હતો કે શાળાની વાન રસ્તાથી ક્યાંય દૂર જઈને પડી. મેજિકના તો ફૂરચા ઉડી ગયા. અકસ્માતમાં 7 બાળકો અને ડ્રાઈવરના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં. જ્યારે અનેક બાળકો ઘાયલ થયા છે.
તુરકહા બિરસિંગપુર પાસે થયો અકસ્માત
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ સતના જિલ્લાના પોલીસ અધિકારીઓને અકસ્માતની સૂચના આપી અને બાળકોને બહાર કાઢવામાં લાગી ગયાં. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું અને અનેક ઘાયલ બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ રવાના કરાયા જ્યારે મૃતકોને બહાર કાઢીને તેમના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સતનાના તુરકહા બિરસિંગપુરની પાસે સ્થિત લકી કોન્વેન્ટ સ્કૂલની શાળા મેજિક વિદ્યાર્થીઓને લઈને નીકળી હતી. જ્યારે રાજૂ કોચ બસ ક્રમાંક MP 17 P-0885 રીવાથી ચિત્રકૂટ માટે રવાના થઈ હતી. તુરકહા બિરસિંગપુર પાસે આ અકસ્માત થયો.
અનેક વિદ્યાર્થીઓને ગંભીર ઈજા
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતમાં 7 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા. તેમની સાથે ડ્રાઈવરનું પણ મોત નિપજ્યું. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થઈ છે. ઘાયલ વિદ્યાર્થીઓને જિલ્લા હોસ્પિટલ રવાના કરાયા છે. અનેક વિદ્યાર્થીને અતિ ગંભીર ઈજા થઈ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે શ્રદ્ધાંજલિ આપી
સતના રોડ અકસ્માતમાં મૃત બાળકો પ્રત્યે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે શ્રદ્ધાંજલિ અર્પી છે. વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે સતના રોડ અકસ્માતના અહેવાલથી સ્તબ્ધ છું. મન દુ:ખી છે. અકસ્માતનો ભોગ બનેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપું છું. પીડિત પરિવારો પ્રતિ મારી સંવેદનાઓ છે. પ્રશાસનને આવશ્યક દિશા નિર્દેશ જારી કરી દેવાયા છે. ઈશ્વરને પ્રાર્થના છે કે દિવંગત આત્માઓને શાંતિ પ્રદાન કરે.