MP ચૂંટણી 2018: આંતરિક કલેહ કોંગ્રેસને કરશે નુકસાન? `પહેલી યાદી`થી ખુબ નારાજ છે કમલનાથ
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ડખો જોવા મળી રહ્યો છે. બુધવારે કોંગ્રેસે પ્રદેશની 230 વિધાનસભા બેઠકોમાંથી 80 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં.
ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ડખો જોવા મળી રહ્યો છે. બુધવારે કોંગ્રેસે પ્રદેશની 230 વિધાનસભા બેઠકોમાંથી 80 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. કહેવાય છે કે આગામી એક અઠવાડિયામાં રાજ્યની તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી નાખવામાં આવશે. આ બધા વચ્ચે મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કોંગ્રેસના તમામ દાવાઓને બાજુમાં હડસેલી નાખતા પાર્ટી લાઈનથી અલગ નિવેદન આપીને બધાને ચોંકાવ્યા છે.
ઉમેદવારોના નામો પર માત્ર ચર્ચા થઈ છે-કમલનાથ
કમલનાથે ઉમેદવારોના નામ નક્કી થવા પર કહ્યું કે હજુ 80 વિધાનસભા બેઠકો માટે ફક્ત નામોની ચર્ચા થઈ છે. કોઈ પણ નામ નક્કી કરાયા નથી. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે આ નામોને નક્કી ન ગણવામાં આવે. આ મામલે હજુ 3-4 બેઠકો થવાની છે. ઉમેદવારોની યાદી અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોની લિસ્ટ 28-29 ઓક્ટોબર સુધીમાં આવી જશે. અત્રે જણાવવાનું કે હાલમાં જ કમલનાથે સ્પષ્ટપણે કહ્યું હતું કે જે વ્યક્તિ ચૂંટણી જીતવામાં સક્ષમ હશે તેને પાર્ટી પોતાનો ઉમેદવાર બનાવશે. પછી ભલે તે ભારતીય જનતા પાર્ટીમાંથી કેમ ન આવ્યો હોય.
પેરાશૂટ ઉમેદવારોને મહત્વ નહીં અપાય- દીપક બાવરીયા
આ બાજુ પ્રદેશની 80 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામ પર મહોર લાગ્યા બાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રભારી દીપક બાવરીયાએ કહ્યું કે તમામ નામ કેન્દ્રીય નેતૃત્વ અને અન્ય વરિષ્ઠોની સહમતિથી ફાઈનલ કરાયા છે. બાકીની બચેલી બેઠકો માટેના નામોની જાહેરાત આગામી એક સપ્તાહમાં નક્કી કરી લેવાશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ ફાળવણીમાં મહત્વ આપવામાં આવશે નહીં. આ 80 નામોમાં કોઈ પણ પેરાશૂટ ઉમેદવાર નથી. તેમણે જણાવ્યું કે નક્કી કરાયેલા નામોમાંથી 50 ટકા વર્તમાન ધારાસભ્ય છે. આ સાથે જ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ લિસ્ટની યાદીમાં નવા ચહેરાઓને મહત્વ આપ્યું છે. બાવરિયાએ જણાવ્યું કે આ યાદીમાં કોઈ પણ મોટા નેતાનું નામ ફાઈનલ કરાયુ નથી.
ઉમેદવારોના નામથી કમલનાથ નારાજ જોવા મળી રહ્યાં છે
પાર્ટી સૂત્રોના જણવ્યાં મુજબ બુધવારે નક્કી કરાયેલા 80 નામોની લિસ્ટમાં કોંગ્રેસ સાંસદ અને મધ્ય પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાના નીકટના લોકોને પ્રાથમિકતા અપાઈ છે. કહેવાય છે કે કમલનાથ આ સૂચિથી નારાજ છે. પાર્ટી સૂત્રોનું માનીએ તો કમલનાથ નથી ઈચ્છતા કે પ્રદેશમાં એવા લોકોને આગળ કરવામાં આવે કે જમના કારણે કોંગ્રેસની જીતમાં જરા અમથી શંકા ઊભી થઈ શકે. નોંધનીય છે કે હાલમાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનીલ મિશ્રાને કમલનાથે કોંગ્રેસમાં સામેલ કરાવ્યાં છે. મિશ્રા મધ્ય પ્રદેશના કટની જિલ્લાના મુડવારા બેઠકથી વિધાયક રહ્યાં છે. સુનીલે 2014-15માં કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કરી હતી.
રાહુલ ગાંધીએ પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ ન આપવાની જાહેરાત કરી હતી
નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશની અનેક રેલીઓમાં સતત કહ્યું હતું કે પેરાશૂટ ઉમેદવારોને પાર્ટીની ટિકિટ અપાશે નહીં. પરંતુ તેમના આ એલાનથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ કોઈ લેવાદેવા રાખતા જોવા મળતા નથી. કમલનાથે પોતાના પહેલાના એક નિવેદનમાં કહ્યું હતું કે મધ્ય પ્રદશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતવા માટે ઉતરશે. જે જગ્યાઓ પર કોંગ્રેસ નબળી છે ત્યાં ભાજપમાંથી આવનારા ઉમેદવારોની સ્થિતિ સારી હશે તો કોંગ્રેસ તેવા વ્યક્તિને પોતાનો ઉમેદવાર બનાવશે.
કોંગ્રેસને થઈ શકે છે નુકસાન
કોંગ્રેસમાં આ આતંરિક ખેચતાણ ક્યાં સુધી ચાલશે તે જોવા જેવું રહેશે. હાલ તો એ જ કહી શકાય કે કોંગ્રેસના નેતાઓમાં હજુ પણ તાલમેલ જોવા મળી રહ્યો નથી. જેના પગલે કોંગ્રેસને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.