મધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દર વખતે નવી વહુ તેના પિરિયડના બહાને સાસરિયાંથી ભાગી જતી. આ વખતે કન્યાએ છઠ્ઠી વખત લગ્ન કર્યા હતા. તે અહીંથી ભાગતી વખતે પકડાઈ ગઈ હતી. હરદા પોલીસે દુલ્હનની ધરપકડ કરી તેના કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. પીડિત અજય પાંડેએ 24 જૂને અનિતા દુબે નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દુલ્હન અને તેના પરિવારના સભ્યોએ અજય અને તેના પરિવાર સાથે છેતરપિંડી કરી અને રોકડ અને દાગીના લઈને ભાગી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાયત્રી મંદિરમાં થયા હતા લગ્ન 
આ ઘટના હરદાના ગાયત્રી મંદિરમાં બની હતી, જ્યાં અજય અને અનિતાના લગ્ન હતા. લગ્નમાં અજયના પરિવારે કન્યાને 1 લાખ રૂપિયા રોકડા અને 90 હજાર રૂપિયાના દાગીના આપ્યા હતા. જોકે, લગ્ન પછીથી જ કન્યાએ તેના પતિ અને તેના પરિવારથી અંતર જાળવી રાખ્યું હતું. તેણીએ પીરિયડના બહાને પોતાને રૂમમાં બંધ કરી દીધી હતી અને અજયને સુહાગરાતથી વંચિત રાખ્યો હતો. 


સંબંધીઓ સાથે ફરાર થઈ ગઈ
30 જૂને દુલ્હન નાસ્તો કરવાના બહાને એક સંબંધી સાથે ભાગી ગઈ હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે આ સંબંધી તેના મામા રામભરોસ જાટ છે, જે આ સમગ્ર ગેંગનો માસ્ટર માઈન્ડ હતો. પીડિતાના પરિવારે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એસપી અભિનવ ચોકસીએ કેસની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી હતી. ટીમે આરોપીઓને શોધવાનું શરૂ કર્યું અને આખરે તેમની ધરપકડ કરવામાં આવી.


દુલ્હન સાથે પરિવારની ધરપકડ
ધરપકડ કરાયેલા આરોપીઓમાં દુલ્હન અનિતા દુબે, તેની માતા, પિતા, કાકી અને  મામા રામભરોસ જાટનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓએ ભૂતકાળમાં પણ આવી જ રીતે ઘણા લોકોને છેતર્યા છે.


આ તેના છઠ્ઠા લગ્ન હતા
આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓએ લગ્નના બહાને અન્ય છ લોકોને પણ આવી જ રીતે છેતર્યા હતા. રામભરોસ જાટ આ ગેંગનો માસ્ટર માઈન્ડ હતો. તે તેની ભાણીના લગ્ન ગોઠવતો હતો અને પછી લગ્ન બાદ તે કન્યા સાથે ફરાર થઈ જતો હતો. એસપી અભિનવ ચોકસેએ કહ્યું કે અમે લૂંટારુ કન્યા અને તેના પરિવારના સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.


આખી ગેંગ દેવાસની છે
આ આખો પરિવાર દેવાસ જિલ્લાના ખાટેગાંવનો રહેવાસી છે. આ લોકોએ મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં છેતરપિંડી કરી છે. દુલ્હન બનનાર મહિલાને તેના પરિવારનો પણ સાથ મળ્યો. આ તે લોકો હતા જેમણે તેને તેના સાસરિયાંના ઘરેથી ભાગવામાં મદદ કરી હતી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.