નવી દિલ્હી : તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં રવિવારે મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિજય કમલેશ તાહિલરામાનીના શપથગ્રહણ સમારોહમાં બેઠક વ્યવસ્થાને લઇને મોટો વિવાદા થયો છે. સમારોહમાં અતિથિઓની બેઠક વ્યવસ્થામાં જજોનું સ્થાન મંત્રીઓ, નેતાઓ અને પોલીસ અધિકારીઓ કરતાં પાછળ રખાતાં કેટલેક અંશે કચવાટ ઉઠી રહ્યો છે. જસ્ટિસ એમએસ રમેશે આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠક વ્યવસ્થાથી નારાજ જસ્ટિસ રમેશે ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપમાં આ અંગે મેસેજ કર્યો છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ શપથ ગ્રહણ સમારોહની બેઠક વ્યવસ્થામાં હાઇકોર્ટના જજ મંત્રીઓ અને પોલીસ અધિકારીઓની પાછળ બેઠા હતા. જેને પગલે નારાજગી વ્યક્ત કરતાં જસ્ટિસ રમેશે લખ્યું કે, આ સમગ્ર ઘટનાક્રમથી હુ નારાજ છું. આ એક ગંભીર મામલો છે. શું રાજભવન બંધારણીય પદ પર બેઠેલા જજ અને પોલીસ અધિકારીઓના હોદ્દાની ગરિમાથી પરિચિત નથી? કે પછી તેઓ સમજે છે કે હાઇકોર્ટના જજ પદ અને પ્રતિષ્ઠામાં મત્રીઓ અને પોલીસ અધિકારીથી ઉતરતા છે. સત્તાવાર સમારોહમાં આ પ્રકારની વ્યવસ્થા અયોગ્ય છે. 


ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર, જસ્ટિસ રમેશે આ મેસેજને શેયર કરતાં અન્ય જજોએ પણ એમને સપોર્ટ કર્યો હતો અને આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ રમેશે આ મામલે પણ રજૂઆત કરી છે કે જ્યારે રાજભવનમાં હાઇકોર્ટના રજીસ્ટ્રારે બેઠક વ્યવસ્થા યોગ્ય કરવાની વાત કરી તો ત્યાંના અધિકારીઓએ જાણે આ વાતને પણ નજર અંદાજ કરી. 


અહીં નોંધનિય છે કે, હાઇકોર્ટના જજની બેઠક વ્યવસ્થાને લઇને થયેલા આ વિવાદના ઘેરા પડઘા પડ્યા છે. આ મામલે અન્ય જજોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.