ટોલ પ્લાઝા પર VIP-જજો માટે અલગ લેન બનાવો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો: મદ્રાસ HC
મદ્રાસ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ને એક કડક સંદેશ આપતા કહ્યું કે તેણે પોતાના તમામ ટોલ પ્લાઝા પર વીઆઈપી અને સિટિંગ જજો માટે એક અલગ એક્સક્લુઝિવ લેન બનાવી જોઈએ.
નવી દિલ્હી/ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ને એક કડક સંદેશ આપતા કહ્યું કે તેણે પોતાના તમામ ટોલ પ્લાઝા પર વીઆઈપી અને સિટિંગ જજો માટે એક અલગ એક્સક્લુઝિવ લેન બનાવી જોઈએ. જો તે આમ નહીં કરી શકે તો તેણે કોર્ટની અવગણના બદલ કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ. આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ હુલુવાડી જી રમેશ અને જસ્ટિસ એમવી મુરલીધરનની ડિવિઝન બેન્ચે કહ્યું કે આ વીઆઈપી અને જજો માટે ખુબ શરમની વાત છે કે તેઓ ટોલ પ્લાઝા પર વેઈટ કરે અને પોતાના આઈડેન્ટિટી કાર્ડ બતાવે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ કોર્ટે આ મામલે કારણ બતાવો નોટિસ જારી કરતા ચેતવણી આપી કે આ આદેશને તે તેના તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરે. હાઈકોર્ટ બેન્ચે કેન્દ્ર અને NHAIને કહ્યું કે તે આ મામલે સર્ક્યુલર જારી કરે. બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે તેમનો આ આદેશ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે.
જજે કહ્યું કે એક સર્ક્યુલર પ્રત્યેક ટોલ કલેક્ટરને જારી થઈ શકે છે. જેમાં તેમને આ પ્રકારની વીઆઈપી લેન તૈયાર કરવા માટે કહેવામાં આવે. ટોલ કલેક્ટરની જવાબદારી રહેશે કે તે આ લેનમાંથી વીઆઈપી અને જજ સિવાય કોઈને પણ પસાર થવા ન દે. જે પણ આ નિયમનો ભંગ કરે, ટોલ કલેક્ટર તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.
ડિવિઝન બેન્ચે કહ્યું કે અલગ લેન ન હોવાના કારણે ટોલ પ્લાઝા પર સિટિંગ જજ અને વીઆઈપી લોકોએ કારણ વગર શરમિંદગી ઉઠાવવી પડતી હશે. આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે કે ટોલ પ્લાઝા પર સિટિંગ જજને 10થી 15 મિનિટ સુધી રાહ જોવી પડે છે. આ વાતને કેન્દ્ર સરકાર કે NHAI ગંભીરતાથી લેતા નથી.