કારની ચાવી ભૂલથી પણ બાળકોના હાથમાં ના આવે, નાગપુરમાં 3 બાળકોની SUVમાંથી લાશ મળી
મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે સાંજે તેમના ઘરથી 50 મીટર દૂર સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)માં એક ભાઈ અને બહેન સહિત ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. ફારુક નગરના રહેવાસી તૌફિક ફિરોઝ ખાન (4), આલિયા ફિરોઝ ખાન (6) અને આફરીન ઇર્શાદ ખાન (6) શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ગુમ થયા હતા, એમ પચપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે બાળકોના માતા-પિતાને લાગ્યું કે તેઓ નજીકના મેદાનમાં રમવા ગયા છે. 'જ્યારે બાળકો શનિવારની મોડી સાંજ સુધી પરત ન આવ્યા, ત્યારે માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને અપહરણનો કેસ નોંધાવ્યો. રવિવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ, એક કોન્સ્ટેબલે તેમના ઘરની નજીક એક SUV પાર્ક કરેલી જોઈ અને અંદર ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા હતા.
અધિકારીએ કહ્યું કે તૌફિક અને આલિયા ભાઈ-બહેન હતા, જ્યારે આફરીન નજીકમાં રહેતી હતી. નાગપુર પોલીસ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બાળકોના મોત પાછળનું કારણ જાણવા મળશે. હાલ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે ગુમ થયેલા બાળકોના મૃતદેહ તેમના ઘરની નજીક પાર્ક કરેલી જૂની કારમાંથી મળી આવ્યા હતા. ત્રણેય બાળકો રમતા રમતા કારમાં બેસી ગયા અને દરવાજો અંદરથી લોક કરી દીધો. તેઓ ગુમ થયા હતા, ત્યારબાદ તેમની શોધખોળ કરવામાં આવી હતી. ગરમી અને શ્વાસ રૂંધાવાથી ત્રણેયના મોત થયા હોવાનું હાલમાં પ્રથામિક અનુમાન છે.