મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો અપસેટ સર્જાયો છે. લાંબા સમયથી ચાલી રહેલી બળવાની આશંકા આજે હકીકતમાં પરિવર્તિત થઈ જ્યારે એનસીપી નેતા અને રાજ્યના નેતા વિપક્ષ રહેલા અજિત પવારે બળવો કરી દીધો. બધુ એટલું અચાનક થયું કે રાજકીય પંડિતો પણ વિચારતા થઈ ગયા. એક નાની બેઠક અને ત્યારબાદ સીધો રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમ. અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લઈ લીધા છે. આ સિવાય અન્ય 8 સમર્થક ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ બન્યા મંત્રી
એનસીપી નેતા હસન મુશ્રીફે મંત્રી તરીકે શપથ લીધા. તેઓ હાલમાં કોલ્હાપુરથી ધારાસભ્ય છે. તેમના સિવાય દિલીપરાવ દત્તાત્રેય વાલસે-પાટીલ, ધનંજય મુંડેએ પણ મંત્રી તરીકે શપથ લીધા. ધર્મરાવ બાબા આત્રામ, અદિતિ તટકરે, અનિલ ભાઈદાસ અને સંજય બનસોડેએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે.


મહારાષ્ટ્રમાં શિવસેનાના ભાગલા અને મહાવિકાસ આઘાડી સરકારના પતન પછી આ બીજો મોટો આંચકો છે. એનસીપીના આ ભાગલાને કારણે ઉદ્ધવ ઠાકરે જૂથને પણ મોટો આંચકો લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારનું પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં જવું અને રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કરવું NCPના ઘણા નેતાઓને પસંદ નહોતું. આ કારણે તેણે અજિત પવારને સમર્થન આપવાનો વિચાર કર્યો. જોકે તેની ભૂમિકા લાંબા સમયથી તૈયાર કરવામાં આવી રહી હતી.


અજિત પવારના શપથ લીધા પછી, શિવસેના (UBT) ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું, મહારાષ્ટ્રના લોકો આ રમતને વધુ સમય સુધી સહન નહીં કરે. અજિત પવારના આ બળવા બાદ મહાવિકાસ આઘાડી ભારે મુશ્કેલીમાં જોવા મળી રહી છે. નોંધનીય છે કે અજિત પવાર એક જ કાર્યકાળમાં ત્રીજી વખત નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. પ્રથમ વખત તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે શપથ લીધા. બીજી વખત તેઓ મહાવિકાસ આઘાડી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા અને હવે ત્રીજી વખત વિપક્ષના નેતા સીધા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube