મહારાષ્ટ્ર: શિવસેનાના નખરાથી અમિત શાહ ખુબ નારાજ, સરકારનો રોડમેપ તૈયાર કરવા નડ્ડા પહોંચશે મુંબઈ!
શિવસેના તરફથી અઢી અઢી વર્ષ મુખ્યમંત્રી પદની શરત મૂકાતા અમિત શાહ નારાજ જોવા મળી રહ્યાં છે. હાલ બંને પાર્ટીઓ તરફથી અપક્ષોને પોતાનામાં ખેંચવાની હોડ લાગી છે.
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યે 5 દિવસ વીતી ચૂક્યા છે પરંતુ હજુ સુધી સરકાર બનાવવાનો રસ્તો દેખાતો નથી. નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રની જનતાએ ભાજપ + શિવસેના ગઠબંધનને સરકાર બનાવવાની તક આપી છે. પરંતુ મુખ્યમંત્રીના પદ માટે બંને પાર્ટી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. મંગળવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. સૂત્રના જણાવ્યાં મુજબ મંગળવારે મોડી રાતે કે પછી બુધવારે સવારે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ અને તેમની સાથે વધુ એક પર્યવેક્ષક મુંબઈ પહોંચી શકે છે. કહેવાય છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહનો પ્રવાસ રદ થયો છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના તરફથી અઢી અઢી વર્ષ મુખ્યમંત્રી પદની શરત મૂકાતા અમિત શાહ નારાજ જોવા મળી રહ્યાં છે. હાલ બંને પાર્ટીઓ તરફથી અપક્ષોને પોતાનામાં ખેંચવાની હોડ લાગી છે. કહેવાય છેકે આવનારી સરકારમાં ભાગીદારીને લઈને શિવસેનાના મોટા નેતાઓની મંગળવારે બપોર બાદ બેઠક યોજાઈ શકે છે.
આ બાજુ ભાજપના પણ મોટા નેતાઓ બેઠકો યોજી રહ્યાં છે. કહેવાય છે કે આ બેઠકમાં પર્યવેક્ષકોની સામે સરકાર બનાવવાનો રોડમેપ રજુ થઈ શકે છે. ભાજપને અત્યાર સુધી 3 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. જ્યારે શિવસેનાએ પોતાના પક્ષમાં 5 ધારાસભ્યો સાધ્યા છે. જેના કારણે હવે શિવસેના પાસે વિધાયકોનો આંકડો 61 પર પહોંચ્યો છે.
જુઓ LIVE TV