Maharashtra floor test today: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ સર્જી નાખનારા શિવસેનાના વિધાયક એકનાથ શિંદેની નવી સરકાર આજે ફ્લોર ટેસ્ટનો સામનો કરશે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા રવિવારે મોડી રાતે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના વિધાયકો સાથે હોટલમાં બેઠક કરી. જેમાં ભાજપના કોટામાંથી ડેપ્યુટી સીએમ બનેલા દેવેન્દ્ર ફડણવીસ સહિત તમામ વિધાયકો પણ સામેલ થયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરેને  ઝટકો
ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપ-શિંદે જૂથના ધારાસભ્યોએ એકનાથ શિંદેને પોતાના નેતા ચૂંટી લીધા. સ્પીકર રાહુલ નાર્વેકરે પણ શિંદેને નેતા તરીકે માન્યતા આપી. તેમના તરફથી ભરત ગોગાવલેને ચીફ વ્હિપ નિયુક્ત કરાયા છે. બીજી બાજુ ઉદ્ધવ જૂથના અજય ચૌધરીને પહેલા વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા હતા તેમની નિયુક્તિને સ્પીકરે રદ કરી છે. આ સાથે જ સુનિલ પ્રભુને પણ ચીફ વ્હિપના પદેથી હટાવી દેવાયા છે. ત્યારબાદ ઉદ્ધવ જૂથ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જો તેઓ નવા ચીફ વ્હિપનો આદેશ ન માને તો તેમના વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહીનો રસ્તો ખુલી જશે. 


મુંબઈની હોટલમાં થયેલી બેઠક વિશે એક વિધાયકે જણાવ્યું કે શિવસેના-ભાજપ ગઠબંધન સરકાર વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે એટલે કે સોમવારે બહુમત પરીક્ષણનો સામનો કરવા માટે તૈયાર છે. ફ્લોર ટેસ્ટ માટે સરકારની શું રણનીતિ હશે તેના ઉપર પણ વિધાયકોની હાજરીમાં ચર્ચા કરવામાં આવી. જો કે શક્તિ પરીક્ષણ પહેલા ભાજપ-શિંદે જૂથના ઉમેદવાર રાહુલ નાર્વેકરના સ્પીકર તરીકે ચૂંટાઈ આવવાથી એવું લાગે છે કે સરકારને જાદુઈ આંકડો મેળવવામાં મુશ્કેલી પડી શકે નહીં. 


રવિવારે થયેલી સ્પીકરની ચૂંટણીમાં ભાજપ-શિંદે જૂથના પક્ષમાં 164 મત પડ્યા હતાં. જ્યારે 288 સભ્યવાળી વિધાનસભા માટે સ્પીકરની ચૂંટણીમાં બહુમત માટે 144 મતની જરૂર હતી. એટલે કે રાહુલ નાર્વેકરને જીત માટે જરૂરી મત કરતા 20 મત વધુ મળ્યા. જ્યારે વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વીને 107 મત મળ્યા. રાહુલ નાર્વેકરે પોતાના પ્રતિસ્પર્ધીને 47 મતથી હરાવી દીધા. 


શરદ પવારનું ફ્લોર ટેસ્ટ પહેલા મોટું નિવેદન
એકબાજુ મહારાષ્ટ્રની નવી શિંદે સરકાર ફ્લોર ટેસ્ટમાં જીત મેળવવા માટે તૈયારીઓ કરી રહી છે ત્યારે બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ નેતા શરદ પવારે રવિવારે મોટું નિવેદન આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં ચૂંટણી થવાની શક્યતા છે. કારણ કે શિવસેનાના બળવાખોર વિધાયક એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકાર આગામી છ મહિનામાં પડી શકે છે. પવારે રવિવારે એનસીપીના વિધાયકો અને અન્ય પાર્ટી નેતાઓને સંબોધન કરતા આ વાત કરી. 


બેઠકમાં સામેલ એનસીપીના એક નેતાએ પવારના હવાલે કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી બનેલી સરકાર આગામી છ મહિનામાં પડી શકે છે. આથી બધા ફરી ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે શિંદેનું સમર્થન કરી રહેલા અનેક બળવાખોર વિધાયકો હાલની વ્યવસ્થાથી ખુશ નથી. મંત્રીઓને વિભાગોની ફાળવણી થયા બાદ તેમનો અસંતોષ સામે આવશે. જેના પરિણામ સ્વરૂપે સરકાર પડી જશે. પવારે એ પણ કહ્યું કે આ પ્રયોગની નિષ્ફળતાના કારણે અનેક બળવાખોર ધારાસભ્યો પોતાની મૂળ પાર્ટીમાં પાછા ફરશે. બેઠકમાં સામેલ રહેલા નેતાએ એમ પણ કહ્યું કે પાર્ટી અધ્યક્ષે એનસીપી વિધાયકોને પોત પોતાના વિધાનસભા વિસ્તારોમાં વધુ સમય વિતાવવા કહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube