મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. એકનાથ શિંદેની શિવસેનાએ ઉમેદવારોની એક યાદી બહાર પાડી છે. જેમાં 20 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. પાર્ટીએ સંજય નિરૂપમ અને મિલિન્દ દેવડાની સીટની જાહેરાત કરી દીધી છે. સંજય નિરુપમને ડિંડોશી સીટથી મેદાને ઉતાર્યા છે જ્યારે એકનાથ શિંદેએ વરલી સીટથી મિલિન્દ દેવડાને ટિકિટ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિલિન્દ દેવડાનો મુકાબલો પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેના (યુબીટી) ઉમેદવાર આદિત્ય ઠાકરે સામે હશે. આ મુંબઈની હાઈપ્રોફાઈલ સીટોમાંથી એક છે જેને લઈને મહાયુતિ ગઠબંધનમાં ખુબ મથામણ ચાલી હતી. વરલી સીટ ભાજપ પોતાના ફાળે લેવા માંગતું હતું પરંતુ અંતે સમજૂતિ થઈ કે શિંદે જૂથ પાસે રહેશે. સીએમ શિંદેએ આ સીટ પર તમામ મોટા નેતાઓ સાથે વાત કરી અને આખરે આદિત્ય ઠાકરે વિરુદ્ધ રાજ્યસભા સાંસદ મિલિન્દ દેવડાને ઉતારવાનું નક્કી કરાયું. 


કોંગ્રેસમાં રહી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મિલિન્દ દેવડા આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા જ શિવસેનામાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. દેવડાને વરલીના હાલના વિધાયક અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે વિરુદ્ધ ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો શિંદેના નિર્ણયથી આ સીટ પર નક્કી હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળશે એવું માનવામાં આવી રહ્યું છે. 


ડિંડોશી સીટ માટે સંજય નિરૂપમને ટિકિટ
શિવસેનાએ રવિવારે 20 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં પાર્ટીએ નારાયણ રાણેના પુત્ર નીલેશ રાણેને કુડાલ સીટથી ટિકિટ આપી છે. વિધાન પરિષદ સભ્ય (એમએલસી) અને પૂર્વ સાંસદ ભાવના ગવલીને રિસોડ, અમ્શિયા પાડવીને અક્કલકુવા, સંજય નિરૂપમને મુંબઈની ડિંડોશી સીટથી શિવસેના મેદાનમાં ઉતારી રહી છે. 


મુંબઈની અંધેરી પૂર્વ સીટથી પૂર્વ  ભાજપના નેતા મુર્જી પટેલને ઉતાર્યા છે. વર્ષ 2019માં શિવસેનામાં જોડાનારા અને પાલઘરથી લોકસભા ચૂંટણી જીતનારા પૂર્વ ભાજપ સાંસદ રાજેન્દ્ર ગાવિતને પાલઘર વિધાનસભા મતવિસ્તારથી ટિકિટ અપાઈ છે. મહારાષ્ટ્રની 288 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.