મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા જ નહીં...પતિ અને પત્ની વચ્ચે પણ ચૂંટણીનો જંગ, કોણ મારશે બાજી?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024નો સંગ્રામ રોમાંચક બની ગયો છે. કારણ કે આ વખતે ચૂંટણીમાં કાકા-ભત્રીજા અને ભાઈ-ભાઈની સાથે સાથે પતિ અને પત્ની પણ આમને સામને છે.
ગમે તે ચૂંટણી હોય પરંતુ વંશવાદ એ મોટો મુદ્દો રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024નો સંગ્રામ રોમાંચક બની ગયો છે. કારણ કે આ વખતે ચૂંટણીમાં કાકા-ભત્રીજા અને ભાઈ-ભાઈની સાથે સાથે પતિ અને પત્ની પણ આમને સામને છે.
વંશવાદ ચરમસીમાએ...સંબંધી VS સંબંધી
કેટલીક સીટો પર ભાઈઓ, સંબંધીઓ અને પિતા-બાળકો વચ્ચે મુકાબલો છે. પરંતુ એક સીટ એવી પણ છે જ્યાં પતિ અને પત્ની વચ્ચે રોમાંચક જંગ છે. હવે સવાલ એ છે કે આ જંગમાં બાજી કોણ મારશે. એક સીટ એવી પણ છે જ્યાં કાકા અને ભ ત્રીજા એક બીજા સામે ચૂંટણી લડી રહ્યા છે. જાણો આ હાઈ પ્રોફાઈલ સીટો વિશે.
પતિ અને પત્ની વચ્ચે ચૂંટણી જંગ
છત્રપતિ સંભાજીનગગરના કન્નડ મતવિસ્તારમાં અપક્ષ ઉમેદવાર હર્ષવર્ધન જાધવે પોતાનો અલગ રસ્તો કર્યો છે અને શિવસેના ઉમેદવાર સંજના જાધવ વિરુદ્ધ મેદાનમાં છે. સંજના ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેના પુત્રી છે. સંજના પતિથી અલગ રહે છે, જો કે હજુ સુધી બંનેના ડિવોર્સ થયા નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન સંજના જાધવનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ રડતા જોવા મળ્યા હતા. તે વખતે તેમણે કહ્યું હતું કે મે જે પણ સહન કર્યું, તેનું મને કોઈ ઈનામ મળ્યું નથી, પરંતુ તમે જાણો છો કે મારી જગ્યા કોણે લીધી. મારા પિતા પર તમામ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા જે અમે સહન કરી લીધા, કારણ કે એક છોકરીના પિતાએ આ સહન કરવું પડે છે.
બારામતીમાં કાકા વિરુદ્ધ ભત્રીજા
બારામતી સીટથી શરદ પવારની એનસીપીથી યુગેન્દ્ર પવાર કાકા અજીત પવાર વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં છે. અજીત પવાર સાત વખત બારામતીથી ચૂંટણી જીતી ચૂક્યા છે અને એકવાર બારામતી સંસદીય સીટ પરથી પણ ચૂંટણી જીતી છે. આ બીજીવાર છે કે જ્યારે પવાર ખાનદાનના ગઢ બારામતીમાં પરિવાર વચ્ચે જ મુકાબલો છે. આ અગાઉ લોકસભા ચૂંટણીમાં અજીત પવારના પત્ની સુનેત્રા પવાર અને તેમના નણંદ સુપ્રિયા સુલે વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. ત્યારે સુપ્રીયા સુલેએ બારામતી સીટ જીતી હતી.
વિલાસરાવ દેશમુખના ઘરમાં પણ પરિવારવાદ
મહારાષ્ટ્ર ચૂંટણીમાં પાર્ટીની લડાઈ સાથે સંબંધીઓની પણ લડાઈ પણ છે. મહારાષ્ટ્ર પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના ઘરમાં પણ પરિવારવાદનો ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે. વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખ લાતૂર શહેરથી મેદાનમાં છે જ્યારે વિલાસરાવના બીજા પુત્ર ધીરજ દેશમુખ લાતૂર ગ્રામીણ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. નારાયણ રાણેના પુત્ર નિતિશ રાણે શિવસેનાની ટિકિટ પરથી મેદાનમાં છે. જ્યારે પુત્ર નિલેશ રાણે ભાજપની ટિકિટથી ચૂંટણીના મેદાનમાં છે.
ઠાકરે પરિવાર પણ બાકાત નથી
ઠાકરે પરિવારના સંબંધીઓ પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીથી બાકાત નથી. મુંબઈમાં ઠાકરે પરિવારના સભ્ય અલગ અલગ સીટોથી ચૂંટણી મેદાનમાં છે. આદિત્ય ઠાકરે વરલીથી મેદાનમાં છે જ્યારે તેમના માસીના પુત્ર વરુણ સરદેસાઈ પાર્ટીની ટિકિટ પર બાંદ્રાથી ચૂંટણી લડી રહ્યા છે તો આદિત્યના પિતરાઈ ભાઈ અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે એમએનએસની ટિકિટથી માહિમ સીટથી મેદાનમાં છે.