Cash for Vote Maharashtra: મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં ભાજપે 'બટેંગે તો કટેંગે' નારો જોરશોરથી ચલાવ્યો છે, પરંતુ મતદાનના એક દિવસ પહેલાં એવી ઘટના બની જેના કારણે ભાજપ પર બટેંગે નોટ તો જ મળશે વોટ તેવો આરોપ લાગી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાલાસોપારામાં પૈસા વહેંચવાનો આરોપ લાગ્યો છે. જેના પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેના પર વિરોધ પક્ષના નેતાઓએ શું કહ્યું?  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો આરોપ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાનના અમુક કલાકો પહેલા જ ભાજપ વિવાદોમાં ઘેરાયું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો આરોપ લાગ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ દાવો કર્યો છે કે પોલીસ વિનોદ તાવડેને બચાવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની પાસે 5 કરોડ રૂપિયા હતા. પ્રિયંકા ચતુર્વેદીએ પણ આરોપ લગાવ્યો છે કે, ભાજપ પૈસા વહેંચીને વોટ મેળવવા માંગે છે. મળતી માહિતી અનુસાર વિપક્ષી પક્ષોએ ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી છે. વાયરલ થઈ રહેલ વીડિયોમાં વિનોદ તાવડેની પાસે એક વ્યક્તિ નોટો લહેરાવતો જોવા મળી રહ્યો છે. જોકે, તાવડેએ આ આરોપોને સદંતર ફગાવી દીધા છે.



આ વીડિયો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાંનો છે. જેમાં મતદાનના એક દિવસ પહેલાં મતદારોને રૂપિયા વહેંચવાનો મામલો સામે આવ્યો છે. હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ અઘાડીએ આરોપ લગાવ્યો કે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે મતદારોને રૂપિયા વહેંચી રહ્યા છે. 


રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર 
આ તરફ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ પોસ્ટ કરીને લખ્યું છે કે, મોદીજી, આ 5 કોડ કોના સેફમાંથી નીકળ્યા છે?... જનતાના પૈસા લૂંટીને તમને કોણે ટેમ્પોમાં મોકલ્યા?...



કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી પોસ્ટ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું કે, મોદીજી મહારાષ્ટ્રને મની પાવર અને મસલ પાવરથી સેફ બનાવવા માગે છે. એકબાજુ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પર જીવલેણ હુમલો થાય છે. બીજીબાજુ ભાજપના વરિષ્ઠ નેતા 5 કરોડ કેશ સાથે રંગેહાથ પકડાય છે. મહારાષ્ટ્રની આ વિચારધારા નથી, જનતા તેનો ચુકાદો આવતીકાલે મતદાનથી કરશે. વિનોદ તાવડેએ પૈસા વહેંચવાના આરોપ પર પોતાની સ્પષ્ટતા આપી અને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.


શું છે સમગ્ર મામલો
મુંબઈની એક હોટલમાં મહા વિકાસ આઘાડીના કાર્યકરોએ વિનોદ તાવડેને ઘેરી લીધા હતા. મહા વિકાસ આઘાડીના કાર્યકરોએ આજે ​​પાલઘરના નાલાસોપારા વિધાનસભા ક્ષેત્રમાં એક હોટલની બહાર હંગામો મચાવ્યો હતો. હોટલની અંદર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની બેઠક ચાલી રહી હતી. મહા વિકાસ આઘાડીના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુર અને તેમના કાર્યકર્તાઓએ ભાજપ પર પૈસાની વહેંચણીનો આરોપ લગાવ્યો છે. આ હંગામાનો વીડિયો હવે વાયરલ થયો છે. મહા વિકાસ આઘાડીનો દાવો છે કે તાવડેની બેગમાં 5 કરોડ રૂપિયા રોકડા હતા.


ચૂંટણી પંચે વિનોદ તાવડે સામે FIR નોંધી
આ મામલે ચૂંટણી પંચ પણ તાત્કાલિક હરકતમાં આવ્યું અને વિનોદ તાવડે સામે FIR નોંધીને તપાસ શરૂ કરી છે ભાજપે મહારાષ્ટ્રની ચૂંટણીમાં બટેંગે તો કટેંગેનો નારો ખૂબ ચગાવ્યો છે, પરંતુ અહીંયા તો મત મેળવવા માટે બટેંગે પૈસાની નીતિ સામે આવતાં વિપક્ષને મતદાન પહેલાં મોટું હથિયાર મળી ગયું છે. ત્યારે એ જોવાનું રહેશે કે મતદારો હવે કોના પક્ષમાં મતદાન કરે છે?