એકનાથ શિંદેએ ઠાકરે પરિવાર સામે રચ્યો ચક્રવ્યૂહ, શું ઉદ્ધવ-આદિત્ય તેને તોડી શકશે?
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહી છે. તેવામાં મુંબઈની વર્લી સીટ પર રોમાંચક લડાઈ જોવા મળી શકે છે.
મુંબઈઃ Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની લડાઈ રોમાંચક બની રહી છે. વર્લી સીટથી શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડી રહ્યાં છે. તે આ સીટ પરથી વર્તમાન ધારાસભ્ય પણ છે. પરંતુ આ વખતે તેમની લડાઈ આસાન લાગી રહી નથી. એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ તેમની સામે મિલિંદ દેવડાને ટિકિટ આપી છે.
હાઈપ્રોફાઇલ સીટ છે વર્લી
વર્લી સીટથી વર્ષ 2019માં આદિત્ય ઠાકરેએ બાજી મારી હતી. આ વાત શિવસેનામાં ફૂટ પહેલાની હતી. તે દરમિયાન તેમણે શિવસેનાના ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડી અને 89248 મત મળ્યા હતા. જ્યારે બીજા નંબર પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ઉમેદવાર સુરેશ માન રહ્યા હતા, જેને 21821 મત મળ્યા હતા. આદિત્ય ઠાકરેએ આશરે 67 હજાર મતથી જીત મેળવી હતી.
વર્ષ 2019ની તુલનામાં હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણા ફેરફાર આવી ગયા છે. અહીં શિવસેનાના બે જૂથ છે. એક જૂથનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરે છે, જ્યારે બીજા જૂથનું નેતૃત્વ એકનાથ શિંદે કરે છે.
આ પણ વાંચોઃ મોદી સરકારની મહિલાઓ માટે ખાસ યોજના, 2 વર્ષમાં જ બની જશે ધનાઢ્ય!
દેવડા પરિવારનો ગઢ?
એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ આદિત્ય ઠાકરે વિરુદ્ધ મિલિંદ દેવડાને ટિકિટ આપી છે. વર્લી વિધાનસભા સીટ મુંબઈ દક્ષિણ લોકસભામાં આવે છે. આ ક્ષેત્રને દેવડા પરિવારનો ગઢ માનવામાં આવે છે. શિંદેએ આદિત્ય ઠાકરેની ઘેરાબંધી કરવા માટે મિલિંદ દેવડા જેવા મજબૂત ચહેરા પર દાવ લગાવ્યો છે.
મિલિંદનું રાષ્ટ્રીય રાજનીતિમાં કદ ઊંચું છે. તે શિવસેનામાં સામેલ થતાં પહેલા કોંગ્રેસમાં હતા. તે 14મી અને 15મી લોકસભામાં મુંબઈ દક્ષિણ લોકસભાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
વર્લી સીટના સમીકરણની વાત કરીએ તો તે મુંબઈ શહેરમાં સ્થિત 10 વિધાનસભા ક્ષેત્રમાંથી એક છે. વર્લી વિધાનસભામાં કુલ મતદાતાઓની સંખ્યા લગભગ અઢી લાખથી વધુ છે. અહીં પુરૂષ અને મહિલા વોટર હાર-જીતમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે અલ્પસંખ્યક મતદાતાની ભૂમિકા પણ નિર્ણાયક રહે છે.