મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને સરકાર રચવા માટે શનિવાર આમંત્રણ આપ્યું છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો હતો. આથી રાજ્યપાલે તેને સરકાર બનાવવા આમંત્રણ મોકલ્યું છે. કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગવર્નરના સરકાર બનાવવાના આમંત્રણ અંગે કહ્યું કે, પાર્ટી તેના પર વિચારણા કર્યા પછી આગળનો નિર્ણય લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલે ભાજપને 11 નવેમ્બર સુધીમાં સરકારની રચના અંગે જવાબ આપવાનો સમય આપ્યો છે. જોકે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ભાજપ લઘુમત સાથે સરકાર બનાવવાના પક્ષમાં નથી. રાજ્યપાલનું આમંત્રણ મળ્યા પછી ભાજપ સરકાર બનાવવાનો ઈનકાર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 288 સીટની વિધાનસભામાં ભાજપના 105 ધારાસભ્ય ચૂંટાયા છે અને તેને લગભગ 12 જેટલા અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે. જોકે, રાજ્યમાં બહુમત સાબિત કરવા માટે 145 ધારાસભ્યો હોવા જરૂરી છે. 


સૂત્રોએ જણાવ્યું કે, જો ભાજપ સરકાર બનાવવાનો ઈનકાર કરે તો રાજ્યપાલ રાજ્યની બે નંબરની પાર્ટી શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે. શિવસેના પાસે અત્યારે માત્ર 56 ધારાસબ્યો છે અને તેને લગભગ 6 જેટલા અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે. આમ, શિવસેના 145ના જાદુઈ આંકડાથી ઘણે દૂર છે. 


ભાજપ અને શિવસેના ભેગા મળીને સરકાર બનાવી શકે છે, પરંતુ બંને પક્ષ વચ્ચે ગઠબંધનની રચના અંગે ખેંચતાણ ચાલી રહી છે. મુખ્યમંત્રી પદની બાબતે બંને પક્ષમાં મોટો વિવાદ છે અને આ કારણે તેમનું ગઠબંધન આગળ વધી રહ્યું નથી. 


ત્રીજો વિકલ્પ એવો છે કે, શિવસેના (56) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સાથે મળીને અને કોંગ્રેસનો બહારથી ટેકો લઈને સરકાર બનાવી શકે છે. એનસીપીના 56 ધારાસભ્યો ચૂંટાયા છે, જ્યારે કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. જોકે, આ મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને એસીપીના સુપ્રીમો શરદ પવાર પહેલ કરે તો જ આગળ વાત બને એમ છે. 


જુઓ LIVE TV...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....