આજે મહારાષ્ટ્ર, હરિયાણા, 51 વિધાનસભા અને 2 લોકસભા સીટની પેટા ચૂંટણીનું પરિણામ
સવારે 8 કલાકે વિવિધ કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવશે અને તબક્કાવાર પરિણામ જાહેર કરાશે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા, હરિયાણા વિધાનસભા, 51 વિધાનસભા અને 2 લોકસભા સીટની પેટા ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામાં આવશે અને સાંજ સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે. તાજેતરમાં જ 21 ઓક્ટોબરના રોજ સોમવારે ઉપરોક્ત ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાઃ
મહારાષ્ટ્રમાં સવારે 8 કલાકે વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક માટે કુલ 3,237 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 235 મહિલા ઉમેદવાર છે. ભાજપના 164, શિવસેનાના 124, કોંગ્રેસના 147 અને એનસીપીના 121 ઉમેદવાર મેદાનમાં છે. 2014ની ચૂંટણીમાં ભાજપે 122 સીટ જીતી હતી, જ્યારે શિવસેનાએ 63 સીટ જીતી હતી. કોંગ્રેસે 42 અને શરદ પવારની એનસીપીએ 41 સીટ પર વિજય મેળવ્યો હતો.
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ
વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (નાગપુર દક્ષિણ પશ્ચિમ સીટ), પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ(ભોકાર) અને પૃથ્વીરાજ ચૌહાણ(કરાડ), આદિત્ય ઠાકરે (વર્લી), અજીત પવાર(બારામતી).
હરિયાણા વિધાનસભાઃ
હરિયાણામાં સવારે 8 કલાકે વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. હરિયાણા વિધાનસભાની 90 સીટ માટે 1,196 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 105 મહિલાઓ છે. 2014ની ચૂંટણીમાં ભાજપે 47 સીટ પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસના હાથે માત્ર 15 સીટ આવી હતી. ઈન્ડિયન નેશનલ લોક દલે 19 અને હરિયાણા જનહિત પાર્ટીએ બે સીટ જીતી હતી. બહુજન સમાજ અને શિરોમણી અકાલી દલનો માત્ર 1 સીટ પર વિજય થયો હતો અને 5 અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા.
હરિયાણાના દિગ્ગજ નેતાઓ
વર્તમાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પૂર્વ કોંગ્રેસ સીએમ ભુપિંદર સિંહ હૂડા, જેજપી લીટર દુષ્યંત ચૌટાલા, આઈએનએલડીના નેતા અભય સિંહ ચૌટાલા. આ ઉપરાંત ભાજપે રેસલર બબિતા ફોગાટ અને યોગેશ્વર દત્ત, પૂર્વ હોકી ખેલાડી સંદીપ સિંઘ અને ટીકટોક સ્ટાર સોનાલી ફોગાટને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
51 વિધાનસભાની પેટા ચૂંટણી
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની સાથે-સાથે દેશના જુદા-જુદા રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભાની 51 બેઠકોની મતગણતરી પણ હાથ ધરવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશની 11, ગુજરાતની 6, બિહારની 5, આસામની 4 અને હિમાચલ પ્રદેશ તથા તમિલનાડુની 2-2 સીટનો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામ રાજ્યોમાં ભાજપ અને તેનું ગઠબંધન સત્તામાં છે. આ ઉપરાંત, પંજાબ-4, કેરળ-5, સિક્કિમ-3, રાજસ્થાન2 અને અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પોડુચેરી, મેઘાલય અને તેલંગાણાની 1-1 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી.
લોકસભા સીટ પેટા ચૂંટણી
મહારાષ્ટ્રની સતારા અને બિહારની સમસ્તીપુર લોકસભા સીટ માટે પેટાચૂંટણી યોજાઈ હતી. તેનું પરિણામ પણ 24 ઓક્ટોબરના રોજ આપવામાં આવશે.
જુઓ LIVE TV....