છેલ્લા કેટલાક દિવસથી જે સસ્પેન્સ ચાલી રહ્યું હતું હવે તેના પરથી પડદો ઉઠી ગયો છે. આખરે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. વિધાયક દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. બેઠકમાં નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણી પણ નિરીક્ષકો તરીકે હાજર છે. વિધાયક દળની બેઠક પહેલા જ ભાજપ વિધાયકોએ કહ્યું હતું કે તમામ વિધાયકોનું સમર્થન દેવેન્દ્ર ફડણવીસ સાથે છે. મુખ્યમંત્રીનું નામ ફાઈનલ થયા બાદ મહાયુતિના નેતાઓએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાયુતિએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર એક સાથે જ કારમાં રાજભવન પહોંચ્યા. ત્યાં તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. મહારાષ્ટ્રના નવા સીએમનું નામ ફાઈનલ થયા બાદ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર રાજ ભવન પહોંચ્યા. ફડણવીસે તે પહેલા કહ્યું કે પરિણામોએ સ્પષ્ટ કરી દીધુ છે કે આપણે એક છીએ તો સેફ છીએ. મહારાષ્ટ્રમાં અમારી એકતરફી જીત થઈ છે. હું આ જનાદેશનો આભારી છું. મારું સમર્થન કરવા બદલ એકનાથ શિંદે અને અજીત પવારનો આભાર. 



વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા
મહારાષ્ટ્ર વિધાયક દળની બેઠક માટે નિયુક્ત કરાયેલા નિરીક્ષક વિજય રૂપાણીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને કહ્યું કે તેઓ સીએમ પદ માટે પોત  પોતાની પસંદના નામનો પ્રસ્તાવ રજૂ કરે. ત્યારબાદ ચંદ્રકાંત પાટિલે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો. સુધી મુનગંટીવારે પણ ફડણવીસના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિધાયક દળની બેઠકમાં સર્વસંમતિથી દેવેન્દ્ર ફડણવીસને વિધાયક દળના નેતા  તરીકે પસંદ કરવામાં આવ્યા. તેઓ હવે મહારાષ્ટ્રના નવા સીએમ બનશે. પાંચ ડિસેમ્બરે તેઓ ત્રીજીવાર મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લેશે. 


ભાજપના નવા ચૂંટાઈ આવેલા ધારાસભ્ય પ્રવીણ વસંતરાવ તાયડેએ કહ્યું કે અમે મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસને પસંદ કરી રહ્યા છીએ. તેઓ એક એવા નેતા છે જે મહારાષ્ટ્રમાં સકારાત્મક ફેરફાર લાવીને વધુ સારી બનાવી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ પહેલી પસંદ છે. બધાને સાથે લઈને ચાલે છે. તમામ વિધાયકો એમને જ પસંદ કરશે. તેમને પાંચ વર્ષ સરકાર ચલાવવાનો અનુભવ છે. 



એકનાથ શિંદે-અજીત પવાર ડેપ્યુટી સીએમ
આ ઉપરાંત ભાજપના નવા ચૂંટાઈ આવેલા વિધાયક રવિ રાજાએ પણ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે, તેઓ જલદી શપથ લેશે. સમગ્ર પાર્ટી આ નિર્ણયનું સમર્થન કરે છે. મહારાષ્ટ્રને આગળની પ્રગતિ માટે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વની જરૂર છે. એકનાથ શિંદે અને અજીત પવાર ડેપ્યુટી સીએમ તરીકે કામ કરશે. ભાજપમાંથી ચૂંટાઈ આવેલા વિધાયક ભીમરાવ કેરામે કહ્યું કે 2014થી 2019 સુધી દેવેન્દ્ર ફડણવીસે પ્રભાવી રીતે સરકારનું સંચાલન કર્યું. વિધાયકો એક મતે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના સીએમ બનાવવા ઈચ્છતા હતા. 

5 ડિસેમ્બરે શપથ ગ્રહણ
બીજી બાજુ મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ આઝાદ મેદાનમાં ચાલી રહી છે. આ કાર્યક્રમ 5 ડિસેમ્બરે યોજાશે. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે મહાયુતિના સહયોગી પક્ષ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે બુધવારે બપોરે સાડા ત્રણ વાગે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરશે. મુનગંટીવારે જણાવ્યું કે વિધાન ભવનમાં બેઠક બાદ મહાયુતિના તમામ નેતાઓ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળવા રાજભવન જશે. નેતા મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.