Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ એકનાથ શિંદે મામલે આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકાર પર છવાયેલા વાદળો હટી ગયા છે. સુપ્રીમ કોર્ટે જો કે એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોની અયોગ્યતા પર હાલ કોઈ નિર્ણય આપ્યો નથી અને કહ્યું કે આ કેસમાં હજુ વધાર વિચાર કરવાની જરૂર છે. આ સાથે જ કોર્ટે નેબામ રેબિયા કેસને વિચાર માટે 7 જજોની મોટી બેન્ચ સમક્ષ મોકલી દીધો છે. જેને આધાર માનતા આ કેસ પર વિચાર થઈ રહ્યો હતો. બંધારણીય બેન્ચે કહ્યું કે અરુણાચલનો નેબામ રેબિયા કેસ અલગ હતો અને તેને ધ્યાનમાં રાખીને આ કેસમાં વિચાર થઈ શકે નહીં. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં જૂન 2022માં એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યો અને ભાજપના સમર્થનથી સરકાર બનાવી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે પાર્ટીમાં તૂટ હોવા પર કોઈ જૂથ અયોગ્યતાની કાર્યવાહીથી એ આધારે ન બચી શકે કે તે જ અસલ પાર્ટી છે. બંધારણીય સંશોધન બાદ પાર્ટીમાં તૂટ થવા પર સંખ્યાબળનો હવાલો આપીને અયોગ્યતાથી બચી શકાય નહીં. આ નિર્ણયથી શિંદે સરકાર પર કોઈ અસર થશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલ પર કરી આ ટિપ્પણી
જો કે કોર્ટની એક ટિપ્પણી એકનાથ શિંદે જૂથને પરેશાન કરનારી છે. કોર્ટે કહ્યું કે વિધાનસભામાં વિશ્વાસ મતના પ્રસ્તાવ પર મતદાન દરમિયાન શિંદે જૂથના ભારત ગોગાવાલેને શિવસેનાનો ચીફ વ્હીપ બનાવવા એ ગેરકાયદેસર હતું. કોર્ટે રાજ્યપાલ તરફથી ફ્લોર ટેસ્ટ કરાવવાના નિર્ણય ઉપર પણ સવાલ ઉઠાવ્યો. કોર્ટે કહ્યું કે શિવસેનામાં વિવાદ આંતરિક કલેહ હતો અને તેને પહોંચી વળવા માટે ફ્લોર ટેસ્ટ કરાવવો યોગ્ય નહતો. ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેન્ચે કહ્યું કે આંતરિક  કલેહ વિશ્વાસ મત માટેનો યોગ્ય આધાર નહતો. ફ્લોર ટેસ્ટ તો નિયમોના આધાર પર જ થવો જોઈએ. 


સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિધાનસભા સ્પીકરએ એને જ શિવસેનાના વ્હીપ માનવા જેવા હતા જેને પાર્ટીએ અધિકૃત રીતે જાહેર કર્યા હતા. બેન્ચે કહ્યું કે સ્પીકરને ખબર હતી કે બે જૂથ છે. પરંતુ તેમણે પોતાની પસંદના વ્હીપને માન્યતા આપી. તેમણે અધિકૃત રીતે જાહેર કરાયેલા વ્હીપને જ માન્યતા આપવાની હતી. આ રીતે સુપ્રીમ કોર્ટે વ્હીપને લઈને કરેલી ટિપ્પણી એકનાથ શિંદે સરકારને પરેશાન કરનારી છે. 


નવા વ્હીપ પર વિચાર કશે સ્પીકર, પાર્ટી પર નિર્ણય EC કરશે
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે હવે નવા વ્હીપની પસંદગી સ્પીકર દ્વારા તપાસ બાદ કરાશે. આ નિર્ણય ચૂંટણી પંચ અને વિધાનસભાના સ્પીકર કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે કોણ અસલ શિવસેના  અને કોણ નકલી તેના ઉપર પણ ચૂંટણી પંચ જ વિચાર કરશે. ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેન્ચે કહ્યું કે પાર્ટીને લઈને નિર્ણય થયા બાદ જ વિધાયકોની યોગ્યતા અંગે નિર્ણય કરાશે. 


શું છે નેબામ રેબિયા કેસ, જેના પર કોર્ટ કરી રહી છે મંથન
જે પ્રકારે મામલો મોટી બેન્ચને મોકલવામાં આવ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે આ કેસ હવે લાંબો ખેંચાશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એકનાથ શિંદે સરકારના ગેરકાયદેસર કે કાયદેસર હોવા અંગે કોઈ વાત કરી નથી. પરંતુ 2016માં અપાયેલા નેબામ રેબિયા કેસનો ઉલ્લેખ કરતા 5 જજોની પેનલે કહ્યું કે એ સ્પીકર કે જેના વિરુદ્ધ પ્રસ્તાવ આવ્યો હોય તે સભ્યોની યોગ્યતા પર નિર્ણય કરી શકે નહીં. 


ઉદ્ધવ ઠાકરે જૂથે જોવી પડશે રાહ
કોર્ટે કહ્યું કે આ કેસને હવે મોટી બેન્ચ સમક્ષ મોકલવામાં આવશે. સ્પષ્ટ છે કે આ કેસની સુનાવણી હવે 7 જજોની બેન્ચ કરશે. જેનો અર્થ એ થયો કે એકનાથ શિંદે સરકાર પર કોઈ જોખમ નથી અને સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચને સુનાવણીમાં લાંબો સમય લાગશે. આમ જોઈએ તો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ઉદ્ધવ ઠાકરે જૂથ માટે મોટા ઝટકા સમાન કહી શકાય. 


અત્રે જણાવવાનું કે 2022ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથની દ્વિપક્ષીય અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. બંધારણીય બેંચમાં જસ્ટિસ એમ.આર. શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પી.એસ. નરસિંહનો પણ સમાવેશ થાય છે. બેન્ચે સંબંધિત અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ 16 માર્ચ, 2023ના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસની અંતિમ સુનાવણી 21 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 9 દિવસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. 


સુનાવણીના છેલ્લા દિવસે સર્વોચ્ચ અદાલતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તે ઉદ્ધવ ઠાકરેની સરકારને કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકે છે જ્યારે તત્કાલિન મુખ્ય પ્રધાને ગૃહમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરતા પહેલા રાજીનામું આપી દીધું હતું. સુનાવણી દરમિયાન, ઠાકરે જૂથે કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ તેમના 2016ના નિર્ણયની જેમ તેમની સરકારને બહાલ કરે, જેણે અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન નબામ તુકીની સરકારને પુનઃસ્થાપિત કરી હતી.


ઠાકરે જૂથનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને દેવદત્ત કામત અને એડવોકેટ અમિત આનંદ તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે એકનાથ શિંદે જૂથનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલ, હરીશ સાલ્વે અને મહેશ જેઠમલાણી અને વકીલ અભિકલ્પ સિંઘ દ્વારા પ્રતાપ દ્વારા કરવામાં આવ્યું હતું.


રાજ્યના ગવર્નર ઑફિસ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા. નોંધપાત્ર રીતે, 17 ફેબ્રુઆરીએ, સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રના રાજકીય સંકટ સાથે સંબંધિત અરજીઓને સાત જજોની બંધારણીય બેંચને સોંપવાની વિનંતીને નકારી કાઢી હતી.


જૂન 2022માં શરૂ થયું હતું સંકટ
મહારાષ્ટ્રમાં ગત વર્ષ જૂનમાં એકનાથ શિંદે જૂથે બળવો પોકાર્યો હતો. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે સરકાર પડી ગઈ હતી. શિંદેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે ભાજપના સમર્થનથી સરકાર બનાવી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક નેતા શિંદે જૂથમાં સામેલ થઈ ચૂક્યા છે. જ્યારે લાંબી ઉથલપાથલ બાદ શિવસેનાના નામ અને પાર્ટીના સિંબોલ ઉપર હકને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે તનાતની ચાલુ હતી. ચૂંટણી પંચે આ મુદ્દે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું પ્રતીક તીર કમાન સોંપી દીધુ હતું. 


શું થયું હતું જૂન 2022 માં?


- 20 જૂન- એકનાથ શિંદેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે બળવો પોકાર્યો. 23 જૂનના રોજ શિંદેએ દાવો કર્યો કે તેમની પાસે 35 ધારાસભ્યોનું સમર્થન છે. 


- 25 જૂન- સ્પીકરે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની નોટિસ મોકલી. બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. 


- 26 જૂન- સુપ્રીમ કોર્ટમાંથી તમામ પક્ષો (શિવસેના, કેન્દ્ર, ડેપ્યુટી સ્પીકર) ને નોટિસ મોકલવામાં આવી. બળવાખોર ધારાસભ્યોને રાહત પણ મળી. 


- 28 જૂન- રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા જણાવ્યું. ઉદ્ધવ ઠાકરે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ ગયા. 


- 29 જૂન- સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાની ના પાડી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. 


- 30 જૂન- એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા. 


- 3 જુલાઈ- વિધાનસભાના નવા સ્પીકરે શિંદે જૂથને સદનમાં માન્યતા આપી. બીજા દિવસ શિંદેએ વિશ્વાસ મત મેળવી લીધો. 


ઉલટફેર બાદ સુપ્રીમ પહોંચ્યા
જૂનમાં શરૂ થયેલી રાજકીય ઉથલપાથલ બાદ એક પછી એક સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી. જ્યાં શિંદે જૂથના 16 વિધાયકોએ સદસ્યતાને રદ કરવાના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, ત્યાં ઉદ્ધવ જૂથે ડેપ્યુટી સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર રાજ્યપાલના શિંદેને સીએમ બનાવવાના આમંત્રણ આપવા અને ફ્લોર ટેસ્ટ કરાવવાના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી. એટલું જ નહીં ઉદ્ધવ જૂથે શિંદે જૂથને વિધાનસભા અને લોકસભામાં માન્યતા આપવાના નિર્ણયને પણ પડકાર્યો છે. 


સુપ્રીમ કોર્ટમાં શું થયું?
સુપ્રીમ કોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન ઉદ્ધવ જૂથના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને તત્કાલિન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના જૂન 2022ના આદેશને રદ કરવાની ભલામણ કરી હતી. જેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહેવાયું હતું. સિબ્બલે કહ્યું કે જો આમ ન થયું તો લોકતંત્ર ખતરામાં પડશે. 


સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને કેવી રીતે બહાલ કરી શકે. જ્યારે સીએમએ શક્તિ પરીક્ષણ પહેલા જ રાજીનામું આપી દીધુ. 


રાજ્યપાલના નિર્ણય પર સવાલ
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે રાજયપાલે આ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં જ્યાં તેમની કાર્યવાહીથી એક વિશેષ પરિણામ નીકળે. સવાલ એ છે કે શું રાજ્યપાલ ફક્ત એટલા માટે સરકાર પાડી શકે કારણ કે કોઈ વિધાયકે કહ્યું કે તેમના જીવન અને સંપત્તિને જોખમ છે? શું વિશ્વાસનો મત બોલાવવા માટે કોઈ બંધારણીય સંકટ હતું? લોકતંત્રમાં આ એક દુખદ તસવીર છે. સુરક્ષા માટે ખતરો વિશ્વાસ મતનો આધાર બની શકે નહીં. તેમણે આ રીતે વિશ્વાસ મત નહતો બોલાવવો જોઈતો.