Maharashtra Politics: ઉદ્ધવને બે દિવસમાં ત્રીજો ઝટકો, લોકસભામાં શિંદે જૂથના સાંસદને શિવસેનાની કમાન
એકનાથ શિંદેના નિવેદને ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધારી દીધી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેએ મંગળવારે જાણકારી આપી કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાહુલ શેવાલેને શિવસેના નેતાના રૂપમાં માન્યતા આપી દીધી છે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં રાહુલ શેવાલેને શિવસેનાના નેતાના રૂપમાં માન્યતા આપી દીધી છે. રાહુલ શેવાલેને નેતાના રૂપમાં માન્યતા આપવાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મુખ્યમંત્રી શિંદેએ કહ્યુ કે શિવસેના સાંસદોએ પણ બાલા સાહેબ ઠાકરેના આદર્શોને બનાવી રાખવા માટે અમારૂ સમર્થન કર્યું છે.
આ પહેલા આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર તથા સાંસદ શ્રીકાંત શિંદે સહિત શિવસેનાના 12 લોકસભા સાંસદોએ અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી અને તેને નિચલા ગૃહમાં પોતાની પાર્ટીના નેતા બદલવાનો આગ્રહ કર્યો હતો. શિવસેનાના બળવાખોર સાંસદોએ એવા સમયે ઓમ બિરલા સાથે મુલાકાત કરી જ્યારે એક દિવસ પહેલા પાર્ટીના ગૃહના નેતા વિનાયક રાઉતે લોકસભા અધ્યક્ષને એક પત્ર સોંપ્યો હતો જેમાં તેના વિરોધી જૂથની કોઈ અરજી ન સ્વીકારવાની વિનંતી કરી હતી.
આ પણ વાંચોઃ NSE કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની ઈડીએ કરી ધરપકડ
શું કહ્યું શિંદે જૂથના સાંસદોએ?
સ્પીકર સાથે મુલાકાત કરનાર શિંદે જૂથના 12 સાંસદોમાં સામેલ હેમંત ગોડસેએ કહ્યુ કે, શિવસેનાના 12 લોકસભા સાંસદોએ અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી અને વિનાયક રાઉતના સ્થાન પર રાહુલ શેવાલેને ગૃહમાં પાર્ટીના નેતા નિયુક્ત કરવાનો આગ્રહ કર્યો. નોંધનીય છે કે સોમવારે વિનાયક રાઉતે લોકસભા અધ્યક્ષને સોંપેલા પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે તે શિવસેના સંસદીય પાર્ટીના વિધિવત નિયુક્ત નેતા છે અને રાજન વેચારે મુખ્ય વ્હીપ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube