એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? જાણો શું કહ્યું પુત્ર શ્રીકાંત શિંદેએ
કાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ લીલી ઝંડી આપ્યા બાદ હવે તેમના પુત્ર અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પિતાના વખાણ કરતા તેમને મરાઠી સમુદાય અને સમસ્ત મહારાષ્ટ્રીયન લોકોના સેવક ગણાવ્યા છે
મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકારની રચનાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. કાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ લીલી ઝંડી આપ્યા બાદ હવે તેમના પુત્ર અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પિતાના વખાણ કરતા તેમને મરાઠી સમુદાય અને સમસ્ત મહારાષ્ટ્રીયન લોકોના સેવક ગણાવ્યા છે. શ્રીકાંત શિંદેએ કહ્યું કે તેમને તેમના પિતા એકનાથ શિંદે પર ગર્વ છે. જેમણે વ્યક્તિગત મહત્વકાંક્ષાને બાજૂ પર મૂકીને 'ગઠબંધન ધર્મ'નું પાલન કરવાનું ઉદાહરણ રજૂ કર્યું છે. એકનાથ શિંદે હાલ મહારાષ્ટ્રમાં કાર્યવાહક મુખ્યમંત્રી છે.
પિતાની વાતનું સમર્થન
સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું કે તેમના પિતાનો મહારાષ્ટ્રના લોકો સાથે અતૂટ સંબંધ છે. તેમણે સમાજના દરેક વર્ગ માટે દિવસ રાત મહેનત કરી છે. શિવસેના, ભારતીય જનતા પાર્ટી અને એનસીપીની સહયોગી છે. અત્રે જણાવવાનું કે તેમનું આ નિવેદન એકનાથ શિંદે દ્વારા બુધવારે કરાયેલી જાહેરાત બાદ આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે શિવસેના મહારાષ્ટ્રના અગામી મુખ્યમંત્રીના નામ માટે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્ણયનું સમર્થન કરશે, જેનાથી ભાજપ માટે નવી સરકારનું નેતૃત્વ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
કલ્યાણથી સાંસદ શ્રીકાંત શિંદેએ એમ પણ કહ્યું કે એવી માન્યતા છે કે સત્તા બધાને ગમે છે પરંતુ એકનાથ શિંદે તેમા અપવાદ છે. તેમના માટે રાષ્ટ્ર અને લોકોની સેવા સર્વોપરી છે. તેમનો વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.
શું કહ્યું હતું એકનાથ શિંદેએ
એકનાથ શિંદેએ આજે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં એલાન કર્યું કે મે ક્યારેય પોતાની જાતને સીએમ સમજ્યા નથી. મે હંમેશા કોમન મેન બનીને કામ કર્યું. મે હંમેશા રાજ્યના સારા માટે કામ કર્યું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની લાડકી બહેનોનો હું લાડકો ભાઈ છું. આ દરમિયાન શિંદેએ કહ્યું કે મે પીએમ મોદીને કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ અડચણ નથી. તમે જે પણ નિર્ણય લેશો તે અમને મંજૂર હશે. અમારી વચ્ચે કોઈ અડચણ નથી. આપણે બધા એનડીએનો હિસ્સો છીએ. જે પણ નિર્ણય પીએમ મોદી લેશે તે અમને મંજૂર છે. એકનાથ શિંદેએ કહ્યું કે પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે શિવસેનાને મંજૂર છે. મહાયુતિ મજબૂત છે અને અમે બધા સાથે મળીને કામ કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે મે લોકપ્રિયતા માટે નહીં પરંતુ મહારાષ્ટ્રની જનતા માટે કામ કર્યું.
પીએમ મોદી અને શાહનો સાથ મળ્યો
તેમણે કહ્યું કે હું જોતો આવ્યો છું કે કુટુંબ અને પરિવાર કેવી રીતે ચલાવવામાં આવે છે. હું વિચારતો હતો કે પાવર મળશે તો ગરીબ પરિવારો માટે યોજનાઓ લાવીશું. ત્યારબાદ લાડલી બહેન, લાડલી શેતકારી, અને લાડલા ભાઈ યોજના પર કામ કર્યું. સરકાર લોકો માટે કામ કરે છે અને દરેક વ્યક્તિને કઈક આપવાનું છે. અમને જે શીખવાડવામાં આવ્યું તે અમે કર્યું. પીએમ મોદીએ કહ્યું કે તમે કામ કરો, તમારી પાછળ અમે ચટ્ટાનની જેમ ઊભા છીએ. મે યોજનાઓમાં પણ તેમની મદદ લીધી અને રાજ્યના પ્રગતિના સ્તરને વધાર્યું. પીએમ મોદી અને શાહ હંમેશા મારી પડખે રહ્યા. અમે રાજય્ને એક નંબર પર લઈને આવ્યા. અમે જનતા માટે 124 નિર્ણય લીધા. અમે જે કામ કર્યા તે કારણે આ પરિણામ આવ્યું. લાડલી બહેનોએ લાડલા ભાઈને યાદ રાખ્યો. આ દરમિયાન શિવસેના સાંસદ નરેશ મહાસ્કે સહિત અનેક નેતાઓ શિંદેના ઘર પર હાજર રહ્યા.
અમારા તરફથી કોઈ 'બાધા' નથી
એકનાથ શિંદેએ કહ્યું કે મે પીએમ મોદીને ફોન કરીને કહ્યું છે કે અમારી તરફથી કોઈ મુશ્કેલી નથી. તમે જેને પણ મુખ્યમંત્રી માટે પસંદ કરશો તેમને મારો સપોર્ટ છે. તેમણે એમ પણ કહ્યું કે હું રોવાવાળામાંથી નથી, લડવાવાળો છું. હું નારાજ કે દુ:ખી નથી. આમ તેમણે સીએમ પદ પર દાવો છોડતા કહ્યું કે મને ભાજપના મુખ્યમંત્રી મંજૂર છે.
એકનાથ શિંદે બનશે ડેપ્યુટી સીએમ?
અત્રે જણાવવાનું કે હવે મહારાષ્ટ્ર્માં શિવસેનાના કોટાથી શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચાએ પણ તૂલ પકડ્યું છે. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ એકનાથ શિંદેએ કથિત રીતે ભાજપના ટોચના નેતૃત્વને અપીલ કરી છે કે જો તેમને મુખ્યમંત્રી ન બનાવાય તો તેમને મહાયુતિ સરકારના સંયોજક નિયુક્ત કરવા જોઈએ અને સાથે શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવા જોઈએ.