મહારાષ્ટ્રમાં સીએમ ચહેરા પર જે કોકડું ગૂંચવાયેલું છે તેનો આજે ઉકેલ આવી જશે. સરકાર બનતા પહેલા આજે ભાજપ વિધાયક દળની બેઠક થશે અને મહાયુતિના નેતા બપોરે સાડા ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ 5 ડિસેમ્બરના રોજ શપથગ્રહણ સમારોહ યોજાશે જેમાં ફક્ત 3 સભ્યો શપથ લેશે, જેમાં મુખ્યમંત્રી અને 2 ડેપ્યુટી સીએમમાંથી એક હશે. તેની જાણકારી શિંદેના એક નીકટના નેતાએ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં સરકાર રચનાની ઈનસાઈડ સ્ટોરી
ટીઓઆઈના એક રિપોર્ટ મુજબ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સાંજે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેના અધિકૃત નિવાસસ્થાન વર્ષા નિવાસ પર જઈને મુલાકાત કરી હતી. ત્યારબાદ જ શિંદે ડેપ્યુટી સીએમ બનવા તૈયાર થયા હોવાનું કહેવાય છે. તેના છ દિવસ પહેલા ફડણવીસ અને શિંદે વચ્ચે આમને સામને વાતચીત થઈ હતી જ્યારે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક માટે દિલ્હીમાં હતા. સૂત્રોએ જણાવ્યું કે એકનાથ શિંદેને સરકારમાં સામેલ થવા માટે મનાવવા જ ફડણવીસ સીએમના અધિકૃત નિવાસ સ્થાને ગયા હતા. 


આ હશે ફોર્મ્યૂલા
સૂત્રોના હવાલે એ પાક્કા સમાચાર છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો ફોર્મ્યૂલા નક્કી થઈ ગયો છે અને એવું કહેવાય છે કે 6 વિધાયકો પર એક મંત્રી બનાવવામાં આવી શકે છે. શિંદે જૂથ અને અજીત પવાર જૂથને એક એક ડેપ્યુટી સીએમનું પદ મળશે. 132 સીટ જીતનારા ભાજપના 22-25 મંત્રી બની શકે છે. શિવસેના શિંદે જૂથે 12 મંત્રી પદ માંગ્યા છે અને તેમને 10 મંત્રી પદ મળી શકે છે. જ્યારે અજીત પવાર જૂથને 7થી 8 મંત્રી પદ મળી શકે છે. રામદાસ આઠવલેની પાર્ટીને પણ એક મંત્રી પદ મળી શકે છે. 


શિંદેને મળશે ભાજપના નિરીક્ષકો
શિવસેનાના સૂત્રોએ જણાવ્યું કે ભાજપના નિરીક્ષકો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બુધવારે ભાજપ વિધાયક દળના નેતા પસંદ કર્યા બાદ એકનાથ શિંદેને મળશે. તેમની હાજરીમાં સત્તા-ભાગીદારીના ફોર્મ્યૂલા પર ચર્ચા થશે ત્યારબાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કરાશે. 


5 ડિસેમ્બરે ફક્ત સીએમ અને ડેપ્યુટી સીએમના શપથ
શિવસેનાના એક પદાધિકારીએ કહ્યું કે ગુરુવારે ફક્ત મુખ્યમંત્રી અને બે ડેપ્યુટી સીએમ જ શપથ લેશે અને અંતિમ સત્તા ભાગીદારીનો ફોર્મ્યૂલા નક્કી થયા બાદ જ મંત્રીમંડળ બનાવવામાં આવશે. શિવસેના પદાધિકારીએ કહ્યું કે હજુ સુધી ગૃહ વિભાગ (જેની માંગણી શિંદે કરે છે) સહિતના વિભાગો પર કોઈ નિર્ણય લેવાયો નથી. તેના માટે ચર્ચા ચાલુ છે અને સરકાર બન્યા બાદ જ સમાપ્ત થશે. 


ટીઓઆઈના રિપોર્ટ મુજબ શિવસેના ઉદ્યોગ અને શહેરી વિકાસ સહિત પોતાની પાસે પહેલેથી રહેલા તમામ 9 મંત્રાલય યથાવત રાખવા માંગે છે. એનસીપીના અજીત પવાર જે હજુ પણ નવી દિલ્હીમાં છે, શિંદે-ફડણવીસની બેઠકમાં હાજર હતા નહીં. શિંદેએ  કહ્યું હતું કે સત્તા-ભાગીદારીનો ફોર્મ્યૂલો (સીએમ પદ સિવાય) મહાયુતિના 3 નેતાઓની બેઠકમાં નક્કી કરાશે. જો કે ફડણવીસની બેઠકને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  કારણ કે તે  ભાજપના વિધાયક દળના પદાધિકારીની પસંદગી અને ગુરુવારે મહાયુતિ સરકારના શપથ ગ્રહણની બરાબર એક દિવસ પહેલા થઈ હતી. બેઠક લગભગ 45 મિનિટ ચાલી હતી. 


તે પહેલા ભાજપના ગીરીશ મહાજને શિંદે સાથે મુલાકાત કરી હતી અને શિવસેનાના ઉદય સામંતે ફડણવીસ જોડે સાગર સ્થિત તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. સામંતે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે શિવસેનાને મહાયુતિ સરકારના 5 ડિસેમ્બરના શપથ ગ્રહણ વિશે રાજ્ય ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેની એક્સ પોસ્ટથી ખબર પડી. શિવસેનાના ગુલાબરાવ પાટિલે પણ દોહરાવ્યું કે તેમની પાર્ટી ઈચ્છે છે કે શિંદે ઓછામાં ઓછું સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સુધી મુખ્યમંત્રી બની રહે અથવા તો તેમને ગૃહ વિભાગની સાથે ડેપ્યુટી સીએમનું પદ મળે.