દેશમાં આગામી વર્ષે લોકસભા ચૂંટણી આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ પોત પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ છેલ્લા નવ વર્ષથી કેન્દ્રમાં સત્તા પર બિરાજમાન છે. જ્યારે વિપક્ષ આ વખતે ગઠબંધન બનાવીને ચૂંટણીના મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યો છે. તાજેતરમાં બિહારની રાજધાની પટણામાં એક મહત્વની બેઠક થઈ જેમાં તમામ વિપક્ષી દળો આગામી લોકસભા ચૂંટણીમાં ભેગા મળીને ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા. જો કે મહારાષ્ટ્રમાં એનસીપીમાં જે ફાડિયા પડ્યા તેનાથી વિપક્ષી એક્તાને મોટો ઝટકો લાગ્યો છે પરંતુ વિપક્ષમાં સામેલ પક્ષોનો દાવો છે કે તેનાથી તેમને કોઈ અસર થશે નહીં. લોકસભા ચૂંટણીને લઈને હાલમાં એક ચૂંટણી સર્વે થયો. જે અત્યાર સુધીનો સૌથી લેટેસ્ટ સર્વે હોવાનું કહેવાય છે. જેમાં મહારાષ્ટ્રની સ્થિતિ પણ સામે આવી છે. જો કે આ સર્વે મહારાષ્ટ્રમાં હાલ જે એનસીપી સંકટ જોવા મળ્યું તે પહેલાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈમ્સ નાઉ નવભારત અને ઈટીજી દ્વારા કરાયેલા સર્વેમાં મહારાષ્ટ્રની જનતાને પૂછવામાં આવ્યું કે લોકસભા ચૂંટણીમાં તેઓ કોને મત આપશે. જેના પર સૌથી વધુ લોકોએ ભાજપના નેતૃત્વવાળા એનડીએ પર ભરોસો જતાવ્યો છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએને મહારાષ્ટ્રમાં 22-28 સીટો મળી શકે છે. જ્યારે બીજી બાજુ મહા વિકાસ આઘાડીને 18-22 સીટો મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં એક થી બે સીટ જઈ શકે છે. જો કે એ જણાવવું જરૂરી છે કે રવિવારે મહારાષ્ટ્રમાં જે ઉલટફેર થયો તેની અસર લોકસભા ચૂંટણી પર પડી શકે છે. આ સર્વે એ ઉથલપાથલ પહેલાનો સર્વે છે. પહેલા જ્યાં શિવસેના અને ભાજપ પ્રમુખ રીતે એનડીએનો ભાગ હતા ત્યાં હવે એનસીપીમાં તૂટના કારણે અજીત પવાર પણ તેમનામાં જોડાઈ ગયા છે. જ્યારે એમવીએમાં હવે શિવસેના (ઉદ્ધવ ઠાકરે), કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર) છે. 


દેશભરમાં કેટલી બેઠકો
સર્વેમાં સામે આવ્યું છે કે જો હાલ લોકસભા ચૂંટણી થાય તો ભાજપના નેતૃત્વવાળા એનડીએને 285થી 325 સુધીની બેઠકો મળી શકે છે. એટલે કે એકવાર ફરીથી એનડીએ સત્તા પર આવી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસ ગઠબંધનને 111-149 બેઠકો જઈ શકે છે. જ્યારે ટીએમસીને 20-22, વાયએસઆરસીપીને 24-25 બેઠકો, બીજેડીને 12-14, બીઆરએસને 9-11, આમ આદમી પાર્ટીને 4-7, સમાજવાદી પાર્ટીને 4-8 અને અન્યને ફાળે 18-38 બેઠકો જઈ શકે છે. સીટ પ્રમાણે સૌથી મોટા રાજ્ય એટલે કે યુપીની વાત કરીએ તો ત્યાં ફરીથી ભાજપ શાનદાર પ્રદર્શન કરી શકે છે. ત્યાં ભાજપને 68-71 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 1-2 બેઠકો જઈ શકે છે. સપાને 8 સુધીની બેઠકો મળી શકે છે. બસપા શૂન્યથી લઈને એક સીટ મેળવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube