મધ્ય પ્રદેશમાં આજે સવારે ગોઝારો બસ અકસ્માત થયો. ખરગોન અને ધાર જિલ્લાની સરહદે મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી. દુર્ઘટના ખલઘાટમાં બનેલા નર્મદા પુલની હોવાનું કહેવાય છે. આ મુસાફર બસ ઈન્દોરથી મહારાષ્ટ્રના પુના જઈ રહી હતી. અકસ્માતની જાણ થતા જ પોલીસ-પ્રશાસને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે. ખરગોન-ધાર ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસપી ખરગોન ધર્મવીર સિંહનું કહેવું છે કે 13 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 15 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. રેસ્ક્યૂમાં બચાવવામાં આવેલા લોકોએ જણાવ્યું કે પુલની રેલિંગ તોડીને બસ સીધી નદીમાં ન ગઈ પરંતુ પથ્થરો પર  પટકાઈ અને ત્યારબાદ ઉછાળા મારતી નદીમાં ખાબકી. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું અકસ્માતમાં બસના ફૂરચા ઉડી ગયા અને કેટલાક લોકો તો જેમ તેમ તરીને બહાર આવી ગયા પરંતુ અનેક લોકો તેમાં ફસાયેલા રહી ગયા. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહેલા બચાવકર્મીઓ બસમાં ફસાયેલા અને નદીમાં વહી ગયેલા લોકોની શોધ કરી રહ્યા છે.



મૃતદેહો મહારાષ્ટ્ર મોકલવામાં આવશે
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ફોન પર ચર્ચા કરીને તેમને આ ઘટનાની જાણકારી આપી. સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે મધ્ય પ્રદેશથી તમામ મૃતદેહો સન્માન સાથે મહારાષ્ટ્ર મોકલવામાં આવશે. મુખ્યમંત્રીએ તેમના પ્રશાસનના પ્રયાસોથી માહિતગાર કર્યા અને આ સાથે મંત્રીને ઘટનાસ્થળે મોકલ્યાની માહિતી આપી. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 40 મુસાફરો સવાર હતા. અત્યાર સુધીમાં  13 મૃતદેહો બહાર કાઢી લેવાયા છે. 


એમપી સરકાર તરફથી 4 લાખની સહાય
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે બસ દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોના પરિજનોને મધ્ય પ્રદેશ શાસન દ્વારા 4-4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ બસ અકસ્માતને લઈને ઊંડું દુ:ખ વ્યક્ત કરતા મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. 


પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને જીવ ગુમાવનારા લોકોના પરિજનોને PMNRF માંથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube