Thane chemical factory blast: મહારાષ્ટ્રના થાણેમાં ગુરૂવારે કેમિકલ ફેક્ટરીમાં ધમાકેદાર વિસ્ફોટ થયો છે. આ ભીષણ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 64 થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બપોરે લગભગ 1.40 વાગે ડોમ્બિવલી મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) એરિયાના ફેઝ-2 સ્થિત અમુદાન કેમિકલ્સમાં એક બોયલર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર કેમિકલ ફેક્ટરીની આસપાસની ઘણી ફેક્ટરીઓ પર પડી. ઘટના બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સાંસદ શ્રીકાંત શિંદે ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે ઘાયલોને આશ્વાસન આપ્યું કે સરકાર તેમના સારવારનો ખર્ચ ઉપાડશે. મહારાષ્ટ્ર સરકાર અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને 5 લાખની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લાન્ટમાં કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા
પ્લાન્ટની અંદર હજુપણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. જ્યાં ફાયરની ટીમ હજુ પણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. બોયલર બ્લાસ્ટ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં ધમાકો સંભળાયો હતો. જ્યારે તેની અસર લગભગ 2 કિલોમીટરના દાયરામાં જોવા મળી હતી. જ્યાં ફેક્ટરીઓ, દુકાનો અને ઘરના કાચ તૂટી ગયા, જેથી સ્થાનિક લોકો ઘાયલ થયા છે. 


આસપાસની ત્રણ કંપનીઓ અને શોરૂમમાં આગ, 12 વાહનો બળીને રાખ
અમુદાન કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે લાગેલી આગ નજીકની અન્ય ત્રણ કંપનીઓમાં ફેલાઈ ગઈ હતી અને તેમને પણ મોટું નુકસાન થયું હતું. આટલું જ નહીં, થોડે દૂર આવેલા એક કાર ડીલરના શોરૂમમાં પણ આગ ફેલાઈ હતી, જેમાં 12 જેટલા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. આગની ઘટના બાદ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન, થાણે, ઉલ્હાસનગર, નવી મુંબઈની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.


5 કિમી સુધી સંભળાયો હતો વિસ્ફોટનો અવાજ
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે કહ્યું કે જે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જે છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હતી, તે થોડા દિવસો પહેલા જ ફરી ખોલવામાં આવી હતી. અકસ્માત બાદ ઉદય સામંત, સ્થાનિક સાંસદ શ્રીકાંત શિંદે અને ધારાસભ્ય રાજુ પાટીલે મુંબઈથી લગભગ 40 કિમી દૂર મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વિસ્તારની અંદર સ્થળની મુલાકાત લીધી હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે નજીકની ઈમારતોની બારીઓ તૂટી ગઈ હતી, જ્યારે આસપાસના કેટલાય ઘરોને નુકસાન થયું હતું.


સીએમ શિંદેએ કરી આર્થિક સહાયની જાહેરાત
આ ઘટનાને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે ખૂબ મોટી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી છે. તેમાં 8 લોકોન મોત થયા છે. ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ એક ખતરનાક વિસ્ફોટ હતો, તેમાં રેડ કેટેગરીની ખતરનાક યૂનિટ્સ છે, તેને બહાર શિફ્ટ કરવામાં આવશે. આ પરિસરમાં ઘણા લોકોએ ફરિયાદ કરી છે. સીએમ શિંદેએ કહ્યું કે અકસ્માતમાં દોષીઓને છોડવામાં નહી આવે. લોકોની જીંદગી સાથે બાંધછોડ કરવામાં નહી આવે. આ કેસની તપાસ કરવામાં આવશે અને જવાબદાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારજનોને સીએમ રાહત કોષમાંથી 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.