નવી દિલ્હી : રૂપિયાના સંકટ સામે ઝઝૂમી રહેલ મહારાષ્ટ્રની ફડણવીસ સરકારની મદદે શિરડી ટ્રસ્ટ આવ્યું છે. ટ્રસ્ટે મહારાષ્ટ્ર સરકારને 500 કરોડ રૂપિયાનું વ્યાજ મુક્ત લોન આપી છે. તેનો ઉપયોગ નીલવંડેમાં અધવચ્ચે અટકેલ સિંચાઈ પ્રોજેક્ટને પૂરો કરવામાં કરાશે. જેથી અહેમદનગર જિલ્લામાં પાણીની આપૂર્તિ કરી શકાય. તેના માટે સાઈબાબા મંદિર ટ્રસ્ટ અને ગોદાવરી-મરાઠાવાડા સિંચાઈ વિકાસ કોર્પોરેશનની વચ્ચે કરાર પર હસ્તાક્ષય થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ફડણવીસ સરકારે શિરડી સાઈ ટ્રસ્ટના ચેરમેન અને બીજેપી નેતા સુરેશ હવાડેને લોનનો અનુરોધ કર્યો હતો. તેમણે તેની મંજૂરી આપી દીધી છે. આ પહેલા આટલી મોટી લોન કોઈ સરકારી કોર્પોરેશનને આપવામાં નથી આવી. લોન પરત કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં નથી આવી. શનિવારે લોનની રકમ જાહેર કરવાના નિર્દેષ આપવામાં આવ્યા છે. 


રિપોર્ટ અનુસાર, આ સિંચાઈ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1200 કરોડ રૂપિયા છે. તેમાંતી 500 કરોડ રૂપિયા શિરડી ટ્રસ્ટ પાસેથી મળશે અને આગામી બે વર્ષમાં જળ સંશોધન વિભાગ 700 કરોડ રૂપિયા આપશે. બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટથી અહેમદનગર જિલ્લાના અકોલી, સંગમનર, રાહુરી, કોપરગાવ અને શિરડી ગામના લોકોને ફાયદો થશે. 


ઉલ્લેખનીય છે કે, શિરડી મંદિર ટ્રસ્ટ પાસે 2100 કરોડ રૂપિયાની ડિપોઝીટ છે. આ ટ્રસ્ટની રોજની આવક 2 કરોડ રૂપિયા છે અને વાર્ષિક આવક 700 કરોડ રૂપિયા છે. અહીં રોજ 70 હજાર શ્રદ્ધાળુઓ આવે છે. તો તહેવારની મોસમમાં આ આંકડો સાડા ત્રણ લાખને પાર કરી જાય છે. 


મહારાષ્ટ્ર સરકારે જ ટ્રસ્ટને લોન આપવાની અપીલ કરી હતી. જેથી આ પ્રોજેક્ટ જલ્દી પૂરો કરી શકાય. ઉલ્લેખનીય છે કે, આ સિંચાઈ પ્રોજેક્ટ પૂરો થાય તો શિરડીમાં પાણીની સમસ્યા દૂર થશે, અને અહીં આવનારા ભક્તોને તેનો સીધો ફાયદો થશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલ અધિકારીઓનું કહેવું છે કે, આ સિંચાઈ પ્રોજેક્ટ લાંબા સમયથી અટકેલો હતો.