શિવસેનાની ઈચ્છા; બસ એક કલાક માટે પંકજા મુંડેને બનાવો મહારાષ્ટ્રના CM, જાણો કારણ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા શિવસેનાએ આજે કહ્યું કે મરાઠા અનામતને મંજૂરી આપવા માટે મંત્રીમંડળના સહયોગી પંકજા મુંડેને ઓછામાં ઓછા એક કલાક માટે રાજ્યના મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ.
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા શિવસેનાએ આજે કહ્યું કે મરાઠા અનામતને મંજૂરી આપવા માટે મંત્રીમંડળના સહયોગી પંકજા મુંડેને ઓછામાં ઓછા એક કલાક માટે રાજ્યના મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ. ગ્રામીણ વિકાસ મંત્રી પંકજા મુંડેએ મરાઠા અનામત પર ફડણવીસ પર પરોક્ષ પ્રહારો કરતા કહ્યું હતું કે જો તેઓ રાજ્યના મુખ્યમંત્રી હોત તો આ મુદ્દે ફેસલો લેવામાં જરાય વાર ન કરત.
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સંપાદકીય લેખમાં કહ્યું છે કે મુંડેના નિવેદનનો બીજો અર્થ એ કાઢી શકાય કે સરકાર મરાઠા અનામતની ફાઈલને લટકાવી રાખવા માંગે છે. 'જો પંકજા મુંડે કોઈ પણ મુશ્કેલી વગર મરાઠા આરક્ષણ પર નિર્ણય કરી શકતા હોય તો સર્વસંમતિથી તેમને ઓછામાં ઓછા એક કલાક માટે મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ.'
લેખમાં સવાલ કરવામાં આવ્યો છે કે 'પંકજા મુંડેની ભૂમિકાની સમજવી જોઈએ. જો કોઈ એમ સમજી રહ્યું છે કે આ મુદ્દે તેઓ રાજકારણ રમી રહ્યાં છે તો ખોટુ છે. જો તેઓ વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કરી શકે છે તો ફડણવીસ આમ કરવા માટે દિલ્હી કેમ ન જઈ શકે'
પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ દિલ્હીમાં હોતા નથી અને દેશના મામલાઓમાં તેમને હવે કોઈ રસ રહ્યો નથી. શિવસેનાએ કહ્યું કે આંદોલનને કચડી નાખવા એ સરકારની નીતિ છે.