મમતા બેનર્જીએ કર્યું રાષ્ટ્રગીતનું અપમાન, કોર્ટે જાહેર કર્યું સમન્સ
રાષ્ટ્રગીતના અપમાન બદલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કોર્ટે સમન્સ જાહેર કર્યું છે. તેને 2 માર્ચે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રગીતના અપમાન બદલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે મમતા બેનર્જીને 2 માર્ચે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. ભાજપના એક કાર્યકર્તાએ મમતા પર રાષ્ટ્રગીતના અપમાનનો આરોપ લગાવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મમતા બેનર્જીએ એક જાહેર કાર્યક્રમમાં રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હતું.
મુંબઈ પ્રવાસમાં મમતાએ ગાયું અધૂરું રાષ્ટ્રગીત?
આ સમગ્ર મામલો લગભગ બે મહિના જૂનો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગયા વર્ષે ડિસેમ્બરમાં બે દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેમણે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને બોલીવૂડની હસ્તીઓ સાથે બેઠક કરી હતી.
બીજેપી નેતાએ સીએમ મમતા પર આરોપ લગાવ્યા
કાર્યક્રમના અંતે તેમણે રાષ્ટ્રગીતની માત્ર થોડી પંક્તિઓ વાંચી. બીજેપી નેતાએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું છે. મમતાએ બેસીને રાષ્ટ્રગીતની માત્ર 4-5 લાઈન વાંચી અને પછી ઊભા થઈને રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કર્યું. આ સમગ્ર એપિસોડનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.
પૂનાવાલાએ ટ્વીટ કર્યો હતો વીડિયો
ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ આ વીડિયો શેર કર્યો છે. પૂનાવાલાએ ટ્વિટ કર્યું હતું કે, શું શિવસેના આપણા રાષ્ટ્રગીત અને સન્માનના આ અપમાનનું સમર્થન કરે છે? જો નહીં તો મને આશા છે કે તેઓ કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધશે.