પીએમ પદ માટે રાહુલ ગાંધીની દાવેદારી પર મમતા બેનરજીએ આપ્યું મોટું નિવેદન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એકવાર ફરીથી કોંગ્રેસની માગણીઓને મોટો આંચકો આપી દીધો છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એકવાર ફરીથી કોંગ્રેસની માગણીઓને મોટો આંચકો આપી દીધો છે. કોંગ્રેસે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ કરવાની માગણી કરી છે. હવે મમતા બેનરજીએ તેમાં પોતાની વાત રજુ કરી છે. નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી અને કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે સંભવિત વિપક્ષી મોરચા તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર માટે કોઈના પણ નામની પસંદગી થવી જોઈએ નહીં. મમતાએ કહ્યું કે જો આમ થશે તો ભાજપ સામે લડવાની ક્ષેત્રિય પાર્ટીઓની એકજૂથતા વિભાજીત થશે.
મમતા બેનરજીએ એ વાત પર ભાર મૂક્યો કે ભાજપ વિરોધી ક્ષેત્રિય પાર્ટીઓએ એકસાથે આવવું જોઈએ અને તેમણે દેશના ફાયદા માટે બલિદાન આપવા જોઈએ. જ્યારે ઉમર અબ્દુલ્લાએ ઈમરાન ખાનના ભારત સાથે સંબંધ સુધારવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'આ સાંભળવામાં તો સારું લાગે છે, પરંતુ તે ઘણુ બધુ તેમના પગલાં ઉપર નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે અમે તેઓ પદભાર સંભળે તેની રાહ જોઈશું.... તેમનો થોડો સમય આપીએ છીએ'
આગામી ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષી એક્તાના સવાલ પર ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે 'કોંગ્રેસ વગર કોઈ પણ વિપક્ષી એક્તા સફળ થશે નહીં.' મમતા બેનરજી સાથે વાતચીતમાં અમે એ વાત પર ચર્ચા કરી કે આગામી ચૂંટણીમાં આપણે કઈ રીતે ભાજપ સામે લડી શકીએ. ઉમરે કહ્યું કે લોકસભા ચૂંટણી નજીક છે. મને પૂરે પૂરો વિશ્વાસ છે કે તે પહેલા તો અમે એક પરિણામ પર પહોંચી જઈશું.