ચંડીગઢઃ પંજાબ સરકાર રાજ્યમાંથી નશાનો ધંધો ખતમ કરવા માટે સતત આકરા પગલા ભરી રહી છે. મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે આ પહેલા નશાનો વ્યાપાર કરતા પકડાવા પર ફાંસીની સજાની જોગવાઇ કરતા કેન્દ્રને ભલામણ મોકલી હતી. તેના એક દિવસ બાદ રાજ્ય સરકારે એક નવું નોટિફિકેશન જારી કર્યું છે, જેમાં સરકારી નોકરીની ભરતી માટે ડોપ ટેસ્ટ ફરજીયાત કરવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ સરકારના દરેક ચરણના માધ્યમથી ભરતી સમયે પોલીસ કર્મીઓ સહિત તમામ સરકારી કર્મચારીઓનો ડોપ ટેસ્ટ કરવાનો આદેશ જારી કર્યો છે. આ માટે તેમણે રાજ્યના મુખ્ય સચિવને આ વિશે દિશા-નિર્દેશ કરી તેને જારી કરવાની સૂચના આપી છે. 


મહત્વનું છે કે, પંજાબમાં નશાની જાળ ફેલાયેલી છે અને આ જાળમાં રાજ્યની યુવા પેઢી બરબાદ થઈ રહી છે. નશાને કારણે રાજ્યમાં મોટી સંખ્યામાં મોત થઈ રહ્યાં છે. મુખ્યપ્રધાન અમરિંદર સિંહે રાજ્યમાં નશાની આ જાળને ખતમ કરવા માટે આકરા પગલા ભર્યા છે. આ દિશામાં પ્રથમ પગલું ભરતા રાજ્ય સરકારે નશાની તસ્કરી માટે ફાંસીની સજાની જોગવાઇનો એક પ્રસ્તાવ તૈયાર કરીને તેને મંજૂરી માટે કેન્દ્ર સરકાર પાસે મોકલ્યો છે. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહને આ પ્રસ્તાવની મંજૂરી આપવા માટે અપીલ કરી છે. 



એક મહિનામાં 30 મોત
પંજાબમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે છેલ્લા એક મહિનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. આ ભયાનક પરિસ્થિતિને પહોંચી વળવાની રણનીતિ બનાવવા માટે મુખ્યપ્રધાને સોમવારે કેબિનેટની બેઠક બોલાવી હતી. કેબિનેટની બેઠક બાદ પંજાબ સરકાર સતત આકરા નિર્ણયો લઈ રહી છે.