મણિશંકર ઐય્યરે રાહુલ ગાંધી વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું-`ગાંધીમુક્ત કોંગ્રેસ...`
રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની અનિશ્ચિતતાઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે રવિવારે કહ્યું કે ગાંધી પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ બની શકે છે.
નવી દિલ્હી: રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની અનિશ્ચિતતાઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે રવિવારે કહ્યું કે ગાંધી પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ બની શકે છે. પરંતુ ગાંધી પરિવારે સંગઠનની અંદર સક્રિય રહેવું પડશે. તેમણે દાવો કર્યો કે ભાજપનું લક્ષ્ય 'ગાંધી મુક્ત કોંગ્રેસ' છે જેથી કરીને 'કોંગ્રેસ મુક્ત ભારત'નો તેમનો ઉદ્દેશ્ય પૂરો થઈ શકે. ઐય્યરે કહ્યું કે જો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ બની રહે તો સૌથી સારું રહેશે પરંતુ આ સાથે જ રાહુલની ઈચ્છાઓનું પણ સન્માન થવું જોઈએ.
તેમણે પીટીઆઈ-ભાષાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે મને ખાતરી છે કે પાર્ટીનો અધ્યક્ષ કોઈ નહેરુ-ગાંધી પરિવારમાંથી ન હોય તો પણ અમારું અસ્તિત્વ જળવાઈ રહેશે પરંતુ શરત એ છે કે નહેરુ-ગાંધી પરિવાર પાર્ટીમાં સક્રિય રહે અને આવા સંકટનું સમાધાન કાઢવામાં મદદ કરે જ્યાં ગંભીર મતભેદ ઉભા થયા હોય. ઐય્યરે કહ્યું કે રાહુલે અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય વિકલ્પ શોધવા એક મહિનાનો સમય આપ્યો છે અને આ મુદ્દે કોંગ્રેસની અંદર વાતચીત ચાલુ છે જ્યાં પાર્ટીમાં મોટાભાગના લોકો રાહુલ પદ પર જળવાઈ રહે તેના પક્ષમાં છે.