અગરતલાઃ ત્રિપુરામાં 2023માં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મુખ્યમંત્રી બિપ્લબ દેબને હટાવી દીધા છે. હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ માણિક સાહાને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં માણિક સાહાને ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. બિપ્લબ દેબનારાજીનામા બાદ જે નામોની ચર્ચા ચાલી રહી હતી, જેમાં માણિક સાહાનું નામ સૌથી આગળ હતુ. માણિક સાહા રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. માણિક સાહા ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે રવિવારે સવારે 11.30 કલાકે શપથ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે
માણિક સાહા ત્રિપુજા ભાજપના અધ્યક્ષ છે અને રાજ્યસભા સાંસદ છે. પાર્ટીએ એક વર્ષ બાદ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતા મહત્વની જવાબદારી સોંપી છે. મહત્વનું છે કે ત્રિપુરામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓ પાર્ટી છોડી રહેતા હતા. તેની પાછળનું કારણ બિપ્લબ દેબ હોવાનું સામે આવી રહ્યુ હતું. 


હાઈકમાન્ડે લીધો નિર્ણય
મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવા પર બિપ્લબ દેબે કહ્યુ કે તેમના માટે પાર્ટીનો નિર્ણય સર્વોપરિ છે. પાર્ટી હાઈકમાન્ડના કહેવા પર તેમણે પદ છોડી દીધુ છે. હવે તે પાર્ટીના સિપાહી તરીકે કામ કરતા રહેશે. પરંતુ નવા મુખ્યમંત્રી કોણ હશે તેનો કોઈ જવાબ આપ્યો નહીં. 


આ પણ વાંચોઃ Gyanvapi Survey: મસ્જિદના સર્વેમાં આજે શું રહ્યું ખાસ? હિન્દુ પક્ષે કર્યો ચોંકાવનારો દાવો


સામે આવી હતી નારાજગી
બિપ્લબ દેબને લઈને સંગઠનમાં નારાજગી ચાલી રહી હતી. બે ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. વિધાનસભા ચૂંટણીને જોતા ભાજપ કોઈ જોખમ લેવા ઈચ્છતુ નથી. મહત્વનું છે કે રાજ્યમાં 2023માં ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની જેમ ત્રિપુરાના મંત્રીમંડળમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે. રાજીનામા બાદ મુખ્યમંત્રી સંગઠનમાં કોઈ પદ સંભાળી શકે છે. 


મુખ્યમંત્રીને લઈને સંગઠનમાં હતી નારાજગી
બિપ્લબ દેબ વિરુદ્ધ પાર્ટીમાં સતત નારાજગી જોવા મળી રહી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તેમની વિરુદ્ધ દિલ્હીમાં સતત ફરિયાદ કરી રહ્યા હતા. આગામી વર્ષે રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે, તેને જોતા ભાજપે બિપ્લબ દેબને હટાવવાનો નિર્ણય કર્યો છે. 


2018માં બન્યા હતા મુખ્યમંત્રી
મહત્વનું છે કે 2018ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં પ્રથમવાર સરકાર બનાવી હતી. ત્યારે બિપ્લબ દેબને પ્રદેશની કમાન સોંપવામાં  આવી હતી. હવે અહીં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube