દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 92 વર્ષની જૈફ વયે 26 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હી સ્થિત એમ્સમાં નિધન થયું. મનમોહન સિંહનું યોગદાન ફક્ત ભારતમાં નહીં પરંતુ સમગ્ર દુનિયામાં યાદ કરવામાં આવી રહ્યું છે. તેમના નિધન બાદ તેમના જીવનના અનેક કિસ્સા અને કહાનીઓ લોકો યાદ કરી રહ્યા છે. આ જ કડીમાં યુપીની યોગી સરકારમાં મંત્રી અને પૂર્વ પોલીસ અધિકારી અસીમ અરુણે પણ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. અરુણ અસીમ એક જમાનામાં મનમોહન સિંહની એસપીજી ટીમમાં બોડીગાર્ડ હતા. તેમણે તે વખતનો એક કિસ્સો પણ જણાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ વર્ષ રહ્યા બોડીગાર્ડ
વાત જાણે એમ  છે કે અસીમ અરુણે સોશિયલ મીડિયા પર મનમોહન સિંહ સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું કે હું 2004થી  લગભગ 3 વર્ષ સુધી તેમનો બોડીગાર્ડ રહ્યો. એસપીજીમાં પીએમની સુરક્ષાનો સૌથી અંદરનો ઘેરો હોય છે- ક્લોઝ પ્રોટેક્શન ટીમ. જેનું નેતૃત્વ કરવાની મને તક મળી હતી. એઆઈજી સીપીટી એ વ્યક્તિ છે જે પીએમથી ક્યારેય દૂર રહી શકતા નથી. જો એક જ બોડીગાર્ડ સાથે રહી શકે તો આ સાથે આ જ વ્યક્તિ હશે. આવામાં તેમની સાથે તેમના પડછાયા તરીકે સાથે રહેવાની મારી જવાબદારી હતી. 



મારી એક જ કાર હતી- મારુતિ 800
તેમણે વધુમાં લખ્યું કે ડોક્ટર સાહેબની એક જ કાર હતી- મારુતિ 800 જે પીએમ હાઉસમાં ચમચમાતી કાળી બીએમડબલ્યુની પાછળ ઊભી રહેતી હતી. મનમોહન સિંહજી વારંવાર મને કહેતા હતા કે અસીમ મને આ કારમાં જવું પસંદ નથી. મારી ગાડી તો આ છે (મારુતિ). હું સમજાવતો હતો કે સર આ ગાડી તમારા ઐશ્વર્ય માટે નથી, તેના સિક્યુરિટી ફીચર્સ એવા છે જેના માટે થઈને એસપીજીએ તેને લીધી છે. પરંતુ જ્યારે કારકેડ મારુતિ સામેથી નીકળતા તો તેઓ હંમેશા મન ભરીને તેને જોતા. જેમ કે સંકલ્પ દોહરાવી રહ્યા હોય કે હું મિડલ ક્લાસનો વ્યક્તિ છું અને સામાન્ય માણસની ચિંતા કરવાનું મારું કામ છે. કરોડોની ગાડી પીએમની છે, મારી તો આ મારુતિ છે. 


હાલ યોગી સરકારમાં મંત્રી
આ એજ અરુણ અસીમ છે જે 2004માં એનએસજીથી બ્લેક કેટ કમાન્ડો ટ્રેનિંગ મેળવનારા પહેલા આઈપીએસ અધિકારી બન્યા હતા. તેઓ હાલ યોગી સરકારમાં મંત્રી પણ છે.  અત્રે જણાવવાનું કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે 7 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. તેમના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ આજના પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.