પટણા: બિહારના મુઝફફરનગરમાં માતેલા સાંઢની જેમ આવેલી બોલેરો 9 માસૂમ બાળકોને કચડીને અકાળે મોતને ઘાટ ઉતારી નાખ્યાં. આ મામલે ભાજપના નેતા મનોજ બૈઠાએ ગઈ કાલે મોડી  રાતે પોલીસ સમક્ષ સરન્ડર કર્યું. મળતી માહિતી મુજબ બૈઠાએ મુઝફ્ફરનગર એસપી સમક્ષ સરન્ડર કર્યું. ત્યારબાદ નેતાની ધરપકડ  કરી લેવામાં આવી. દુર્ઘટના સમયે તેને ઈજા થઈ છે કે નહીં તે તપાસ કરવા માટે પોલીસ નેતાને હોસ્પિટલ લઈ ગઈ હતી. અત્રે જણાવવાનું કે તપાસ બાદ બૈઠાને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. બીજી બાજુ, આ મામલે રાજકારણ ગરમાતુ જાય છે. વિપક્ષ આરજેડીએ આ મામલે મંગળવારે વિધાનસભા બહાર જોરદાર હોબાળો મચાવ્યો હતો. નીતિશકુમાર સરકાર પર હુમલો કરતા તેજસ્વી યાદવે કહ્યું કે આ મામલે ન તો પ્રદેશના મુખ્યમંત્રી કે ન તો સુશીલ મોદીએ માફી માંગી છે. સરકાર આ મામલાને દબાવવામાં લાગી છે. વધુ બોલતા તેજસ્વી યાદવે કહ્યું કે હવે નીતિશકુમારનો અંતરાત્મા ક્યાં ગયો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

મનોજની ધરપકડ કેમ થઈ નથી?
બિહાર પોલીસની કાર્યવાહી પર સવાલ ઊભા કરતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે આ મામલે મુખ્ય આરોપી હજુ સુધી પોલીસની કસ્ટડીમાં છે કે નહીં તે વાતની પણ ખબર નથી. તેમણે કહ્યું કે આ મામલાની આખી દુનિયાને ખબર છે પરંતુ ફક્ત પ્રશાસનિક અધિકારી જ આ વાતની પુષ્ટિ કરી શકે કે તેણે આત્મસમર્પણ કર્યુ છે પછી તેની ધરપકડ થઈ છે.


રાબડી દેવીના પણ પ્રહારો
તેજસ્વી યાદવના પ્રહારો અગાઉ તેમની માતા અને આરજેડીના વરિષ્ઠ નેતા રાબડી દેવીએ પણ મુખ્યમંત્રી નીતિશકુમાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારને શરમ આવવી જોઈએ. દારૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ નથી. હજુ સરળતાથી મળે છે. જ્યાં સુધી મનોજ બૈઠાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે વિધાનસભા ચાલવા દઈશું નહીં.


શું છે સમગ્ર મામલો?
મુઝફ્ફરનગર જિલ્લાના મીનાપુર વિસ્તારમાં શનિવારે (24 ફેબ્રુઆરી)ના રોજ એક પૂરપાટ ઝડપે આવેલી બેકાબુ બોલેરોની અડફેટે આવતા શાળાના 9 બાળકોના મોત થયા હતાં. જ્યારે 15થી વધુ બાળકો ઘાયલ થયા હતાં. આ અકસ્માત બાદ પોલીસે જાણકારી આપતા કહ્યું હતું કે ધર્મપુર સ્થિત ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલયથી બાળકો નેશનલ હાઈવે નંબર 77 પાર કરીને ઘરે પાછા ફરી રહ્યાં હતાં ત્યારે એક પૂરપાટ ઝડપે આવેલી બોલેરોએ આ બાળકોને પોતાની અડફેટે લીધા હતાં.