રાજસ્થાનમાં ઓમિક્રોનના 4 નવા કેસ નોંધાયા, દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 42 થઈ
જયપુરના સીએમએચઓ નરોત્તમ શર્માએ જણાવ્યુ કે, એક પરિવારના ચાર સભ્યો કોરોનાના નવા વેરિએન્ટથી સંક્રમિત થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના ચાર નવા કેસ સામે આવ્યા છે. સમાચાર એજન્સી આઈએએનએસના રિપોર્ટ પ્રમાણે ચાર નવા કેસ રાજસ્થાનમાં આવ્યા છે, આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. ઓમિક્રોનના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે રાજસ્થાન દેશમાં બીજા સ્થાને છે, જ્યારે 18 કેસ સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢ સિવાય સાત રાજ્યોમાં ફેલાય ચુક્યો છે. નવા આંકડાની સાથે દેશમાં ઓમિક્રોનના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 42 થઈ ચુકી છે.
જયપુરના સીએમએચઓ નરોત્તમ શર્માએ જણાવ્યુ કે, એક પરિવારના ચાર સભ્યો કોરોનાના નવા વેરિએન્ટથી સંક્રમિત થયા છે. આદર્શ નગર જનતા કોલોકની (Adarsh Nagar Janata Colony) માં રહેતા આ પરિવારના સભ્યોની આફ્રિકાથી પરત ફર્યા બાદ તપાસ કરવામાં આવી હતી. પરિવારના અન્ય સભ્યો પણ સંક્રમિત યાત્રીના સંપર્કમાં આવ્યા હતા. પહેલાં પાંચ લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા હતા. હવે બાકી ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચોઃ તબાહી મચાવી શકે છે Omicron, માત્ર આ એક દેશમાં થઈ શકે છે 75 હજાર મોત
સમાચાર એજન્સી આઈએએનએસના રિપોર્ટ પ્રમાણે જયપુરમાં છેલ્લા કેટલાક દિવસથી વિદેશથી આવેલા લોકોનો જીનોમ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. તેમાં યૂક્રેનથી આવેલા ચાર લોકો, જર્મનીથી આવેલ એક પરિવારના ચાર સભ્યો અને અમેરિકાથી આવેલા બે વ્યક્તિ સામેલ છે. આ લોકોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સિવાય ગુજરાત અને કર્ણાટકમાં ત્રણ-ત્રણ, દિલ્હીમાં બે, ચંડીગઢ, કેરલ અને આંધ્ર પ્રદેશમાં ઓમિક્રોનનો એક-એક કેસ સામે આવ્યો છે.
રવિવારે કેરલ, આંધ્ર પ્રદેશ અને ચંડીગઢમાં આ નવા વેરિએન્ટના પ્રથમ કેસ સામે આવ્યા, જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ એક-એક કેસ નોંધાયો હતો. કોરોનાના નવા વેરિએન્ટને લઈને રાજ્યો એલર્ટ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ રાજ્યોને પત્ર લખીને વિદેશથી આવતા લોકો પર ખાસ નજર રાખવાનું કહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube