PM મોદીની સુરક્ષામાં 24 કલાક ખડે પગે રહે છે આ કમાન્ડો, જાણો 5 જબરદસ્ત સુરક્ષા કવચ અંગે
ભીમા કોરેગાંવ હિંસાના તાર નક્સલીઓ સાથે જોડાયા બાદ એક મોટો ખુલાસો થયો છે. પોલીસને ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના લેપટોપમાંથી એક એવો ઈમેઈલ મળ્યો છે જેનાથી બધાના હોશ ઉડી ગયા છે.
નવી દિલ્હી: ભીમા કોરેગાંવ હિંસાના તાર નક્સલીઓ સાથે જોડાયા બાદ એક મોટો ખુલાસો થયો છે. પોલીસને ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના લેપટોપમાંથી એક એવો ઈમેઈલ મળ્યો છે જેનાથી બધાના હોશ ઉડી ગયા છે. આ ઈમેઈલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાનો ઉલ્લેખ છે. તપાસ એજન્સીઓ આ ઈમેઈલની પુષ્ટિ કરવામાં લાગી છે. તેની કોપી ઝી ન્યૂઝ પાસે છે. આ ઈમેઈલ 18 એપ્રિલ 2017ના રોજ લખવામાં આવ્યો હતો. આ કોઈ નક્સલી નેતા પ્રકાશના નામે સંબોધિત છે અને લખનારાએ પોતાનું નામ 'R' લખ્યુ છે. તેમાં જેમ તેમ કરીને હુમલો કરવાની વાત કરાઈ છે. પત્રમાં રાજીવ ગાંધી જેવો હત્યાકાંડ ફરીથી દોહરાવવાની વાત છે. આ માટે નરેન્દ્ર મોદીના રોડ શો અને રેલીઓને હુમલા માટે ઉપયોગમાં લેવાનો ઉલ્લેખ છે. જો કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું રચવું અસંભવ કાર્ય છે. કોઈ પણ અન્ય રાષ્ટ્રાધ્યક્ષની જેમ, પીએમ મોદીની સુરક્ષા પણ એકદમ કડક, વ્યાપક અને અભેદ્ય છે.
1. ભારતીય પીએમ હંમેશા સર્વાધિક તાલિમ પામેલા અને અત્યંત અલર્ટ રહેતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના કમાન્ડોના ઘેરામાં હોય છે. કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમમાં એસપીજી કમાન્ડો પીએમની ચારેબાજુ રહે છે અને સાથે ચાલે છે. કોઈ પણ કમાન્ડો પીએમની સુરક્ષામાં ખુબ જ તપાસ કર્યા બાદ તહેનાત કરાય છે. તેના સમગ્ર કૌટુંબિક ઈતિહાસને પરખવામાં આવે છે. તેનો કયા લોકો સાથે મેળમિલાપ છે તેની જાણકારી લીધા બાદ જ તેમને એસપીજીમાં તહેનાત કરાય છે.
2. ભારતીય વડાપ્રધાનના પર્સનલ સુરક્ષા ગાર્ડ સિક્યોરિટી કવરની બીજી હરોળમાં હોય છે. આ લોકો પણ એસપીજી કમાન્ડો સમકક્ષ તાલિમબદ્ધ અને સક્ષમ હોય છે. કોઈ પણ અનહોની રોકવામાં સક્ષમ હોય છે. તેઓ સાર્વજનિક કાર્યક્રમોમાં પીએમની આસપાસ ફટકનારા લોકોના હાવ ભાવ અને વ્યવહાર પર નજર રાખે છે. તેમની ચાલ ભાંપી લે છે.
3. પીએમની આસપાસ ત્રીજુ સુરક્ષા કવચ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) આપે છે. તેના કમાન્ડો સઘન તાલિમ લીધા બાદ જ પીએમની સુરક્ષામાં તહેનાત કરાય છે. તેમના પણ કૌટુંબિક બેકગ્રાઉન્ડને તથા સંબંધોને ઊંડાણપૂર્વક તપાસવામાં આવે છે.
4. ચોથુ સુરક્ષા કવચ અર્ધ સુરક્ષા દળના જવાનો અને વિભિન્ન રાજ્યોના પોલીસ ઓફિસર હોય છે. જ્યારે વડાપ્રધાન કોઈ રાજ્યમાં જાય છે ત્યારે તે પ્રદેશની પોલીસની જવાબદારી હોય છે કે તેઓ બહારી સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવે અને કોઈ પણ પ્રકારની અનહોની થતા રોકે.
5. વડાપ્રધાનની સુરક્ષામાં કમાન્ડો અને પોલીસ કવર સાથે કેટલાક અત્યાધુનિક તકનીકી સુવિધાઓથી લેસ વાહન અને એરક્રાફ્ટ પણ લાગેલા હોય છે. આ વાહનો ઉચ્ચ ક્ષમતાના સૈન્ય આયુધો (Arms-amunition)થી લેસ હોય છે. જો પીએમના કાફલા પર જમીનથી કે હવાઈ હુમલો થાય તો તેના દ્વારા સરળતાથી લડી શકાય છે. તે કોઈ પણ પ્રકારના રાસાયણિક કે જૈવિક હુમલાનો પણ જવાબ આપી શકે છે.
ભાગેડુઓને પકડવા માટે પોલીસનું અભિયાન
પુણે પોલીસે ભીમા કોરેગાંવ હિંસામાં ફરાર છે તેવા 4 આરોપીઓને પકડવા માટે સઘન અભિયાન ચલાવ્યું છે. આ આરોપીઓ છે કોમરેડ મિલિન્દ, કોમરેડ દીપુ, કોમરેડ મંગલુ, અને કોમરેડ પ્રકાશ. પોલીસે તેમને પકડવા માટે 6 ટીમ બનાવી છે. ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ કરાઈ છે. ગુપ્ત સૂચના છે કે માઓવાદી સંગઠન સાથે જોડાયેલા નેતા હજુ પણ હુમલાનું કાવતરું ઘડી રહ્યાં છે. તેઓ દેશના અલગ અલગ હિસ્સાઓમાં છૂપાયેલા છે.