મરાઠા આંદોલન હિંસક: પુણે-નાસિક હાઇવે પર બસોમાં તોડફોડ બાદ ચક્કાજામ
મોટરસાઇકલ પર લાલ ઝંડો લગાવેલા આંદોલનકર્તાઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી અને પુણે-નાસિક હાઇવે પર ચાકણ નજીક રસ્તો રોકી લીધો
પુણે : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનની માંગ કરી રહેલા આંદોલનકર્તાઓએ આજે પુણે અને નાશિકની વચ્ચે ભારે હિંસક પ્રદર્શન કર્યું. મોટર સાઇકલ પર લાંલ ઝંડો લગાવીને આંદોલનકર્તાઓએ સરકારની વિરુદ્ધ નારેબાજી કરી હતી. એટલું જ નહી તેમણે પુણે-નાસિક હાઇવે ચાકણ નજીક રસ્તા રોકો આંદોલન કર્યું. આ દરમિયાન યાત્રીઓ ભરેલી બસોમાં તોડફોડ કરી અને હાઇવે વચ્ચે ટાયરો સળગાવ્યા હતા.
આંદોલનકર્તાઓ આગળ પોલીસ પણ અસહાય લાગી હતી. જો કે સદ્ભાગ્યે બસોમાં તોડફોડ દરમિયાન કોઇ પણ યાત્રીને ઇજા પહોંચી નથી. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મરાઠા આંદોલન દરમિયાન માત્ર પ્રદર્શન કરનારાઓ પર દાખલ કેસ પાછા લેવામાં આવશે. જો કે જે લોકો પર હિંસા ફેલાવવા અને પોલીસ સાથે મારામારી કરવાનો આરોપ છે તેમના પર કેસ પાછા ખેંચવામાં નહી આવે. તેમણે કહ્યું કે, જો આવું કરીએ તો અરાજકતાની સ્થિતી પેદા થશે.
મુખ્યમંત્રીએ રવિવારે મરાઠા સમાજના કેટલાક નેતાઓ સાથે બેઠક કર્યા બાદ એક પત્રકાર પરિષદ દરમિયાન આ વાત કરી હતી. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, રાજ્ય સરકારની તરફથી 72 હજાર કર્મચારીઓની ભરતી થવાની છે. તેમાં મરાઠા સમાજના લોકો સાથે કોઇ અન્યાય નહી થવા દેવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, મરાઠા સમાજને અનામત આપવા મુદ્દે રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી રાજ્ય પછાત વર્ગ પંચને સોંપવામાં આવી છે. સરકારે પંચને એક મહિનાની અંદર રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. ત્યાર બાદ આ મુદ્દાનો ઉકેલ લાવવો શક્ય બનશે. મુખ્યમંત્રીએ ત્યા સુધી માટે મરાઠા સમાજને સંયમ વર્તવા માટેની અપીલ કરી છે.
શિવસેનાના સાંસદ ચંદ્રકાંત ખતરેનો વિરોધ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત સોમવારે ઓરંગાબાદના કૈંગાવમાં 28 વર્ષીય કાકાસાહેબ દત્તાત્રેય શિંદેએ અનામતની માંગ મુદ્દે ગોદાવરી નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી. જેની પ્રતિક્રિયામાં મંગળવારે ઘણા જિલ્લાઓમાં બંધ દરમિયાન મુંબઇ - નવી મુંબઇ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં હિંસક પ્રદર્શન થયું.