દિપક ભાતુસે / મુંબઇ : મરાઠા સમાજને અનામતની માંગને લઇને શરૂ થયેલું મરાઠા અનામત આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા બુધવારે મહારાષ્ટ્ર બંધનું એલાન અપાયું છે. જે અંતર્ગત વિવિધ સ્થળોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયા હતા. સુરક્ષાને ધ્યાનમાં લેતાં તંત્ર દ્વારા ઓરંગાબાદમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. અહીં નોંધનિય છે કે, સોમવારે એક યુવક દ્વારા અનામતની માંગને લઇને નદીમાં ઝંપલાવતાં આ મામલો વધુ ઉગ્ર બન્યો છે. 


મરાઠા ક્રાંતિ મોરચાએ કહ્યું કે જ્યાં સુધી એમની માંગ પુરી કરવામાં નહીં આવે ત્યાં સુધી એમનું આંદોલન ચાલુ રહેશે. કાકાસાહેબ શિંદેના મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં મરાઠા સમુદાયના લોકો ઉપરાંત કેટલાય રાજનેતાઓ જોડાયા હતા. જોકે મરાઠા સમાજના લોકોએ અંતિમ સંસ્કારમાં આવેલા નેતાઓની ઉપસ્થિતિને લઇને પણ આપત્તિ વ્યક્ત કરી હતી અને એમનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ શિવસેનાએ પણ મરાઠા અનામત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે.