COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્હીઃ ભારતીય ઈતિહાસના પાના મુઘલો વગર અધૂરા છે. હિન્દુસ્તાનનાં ઈતિહાસમાં ઘણા સમય સુધી મુઘલોએ રાજ કર્યુ. ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાંખનારા બાબર હતા. ત્યારબાદ હુમાયુના હાથમાં સત્તા આવી અને પછી ધીમે ધીમે સત્તાનું હસ્તાંતરણ ચાલતુ રહ્યું. મુઘલ બાદશાહોએ તેમના સામ્રાજ્યને વિસ્તૃત કરવાનું કામ કર્યું. મુઘલ સામ્રાજ્યના વિસ્તરણ અને નીતિ નિર્માણમાં માત્ર મુઘલ પુરુષોનો  નહીં મુઘલ મહિલાઓનું પણ મોટુ યોગદાન છે. અહીં આવી જ મુઘલ સામ્રાજ્યની 5 શક્તિશાળી મહિલાઓ વિશે જણાવી રહ્યા છે.

1. દિલરાસ બાનો બેગમ:
આ નામ ઈતિહાસમાં નોંધાયેલું છે, પરંતુ ઘણા લોકોને તેમના વિશે વધુ જાણકારી નથી. દિલરાસ બાનો બેગમ મુઘલ બાદશાહ ઔરંગઝેબની પ્રથમ બેગમ હતી. દિલરાસ સફવી રાજવંશની રાજકુમારી હતી. તેનો જન્મ 1662માં થયો હતો. કહેવામાં આવે છે કે તેનું મૃત્યુ સંક્રમણનાં કારણે થયું હતુ. દિલરાસ બાનો ઔરંગઝેબની સૌથી ખાસ બેગમ હતી.

2. જહાંઆરા બેગમ:
જહાંઆરા બેગમ મુઘલ બાદશાહ શાહજહાં અને મુમતાઝ મહેલની મોટી પુત્રી અને ઔરંગઝેબની મોટી બહેન હતી. તેનો જન્મ 2 એપ્રિલ 1614નાં રોજ થયો હતો. કહેવાય છે કે તેમણે ચાંદની ચોકની રૂપરેખા તૈયાર કરી હતી. કહેવામાં આવે છે કે તેની માતા મુમતાઝ મહેલના મૃત્યુ પછી, જહાંઆરાને સામ્રાજ્યની પ્રથમ મહિલા જાહેર કરવામાં આવી હતી. જહાંઆરાને શાહજહાંની સૌથી પ્રિય પુત્રી પણ કહેવામાં આવે છે. ઈતિહાસકારો જહાંઆરાને તે સમયની સૌથી શક્તિશાળી મહિલા ગણાવી ચૂક્યા છે.

3. મરિયમ ઉઝ-ઝમાની:
મરિયમ-ઉઝ-ઝમાની જયપુરના આમેર રજવાડાના રાજા ભારમલની પુત્રી હતી, જેમના લગ્ન અકબર સાથે થયા હતા. મરિયમ અકબર સાથે લગ્ન કર્યા બાદ મલ્લિકા-એ-હિન્દુસ્તાન બની. ઈતિહાસમાં તેમને જોધા બાઈ, હીર કુંવરી અને હરખા બાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે મરિયમ-ઉઝ-ઝમાની અકબરની ત્રણ સૌથી મહત્વપૂર્ણ રાણીઓમાંની એક હતી. તેમના પુત્રનું નામ સલીમ હતું, જે પાછળથી ઈતિહાસમાં જહાંગીર તરીકે પ્રસિદ્ધ થયો.

4. નૂરજહાં:
નૂરજહાંને મેહરુન્નિસાનાં નામથી પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે નૂરજહાં ખૂબ જ સુંદર હતી અને તેની સુંદરતાથી મોહિત થઈને, જહાંગીરે તેની સાથે 1611 ઈસ. માં લગ્ન કર્યા. નૂરજહાં સુંદરતાની સાથે સાથે તેજ દિમાગની પણ માલકિન હતી. કહેવાય છે કે, નૂરજહાંનું લક્ષ્ય ખૂબ જ તેજ હતુ. ઈસ. 1613માં તેમણે એક જ ગોળીથી સિંહને વિંધિ નાંખ્યો. એક સમય એવો પણ આવ્યો જ્યારે રાજ્યનો કારોબાર તેમના ખભા પર આવી ગયો. તેઓ દરબાર પણ કરવા લાગ્યા એટલુ જ નહીં નૂરજહાંનાં છાપવાળાં સિક્કા પણ બહાર પડ્યા હતા.

5. ગુલબદન બાનો બેગમ:
ગુલબદન બાનો બેગમ મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબરની પુત્રી હતી. એવું માનવામાં આવે છે કે તેનો જન્મ 1523માં કાબુલમાં થયો હતો. જોકે, તેના પિતાના મૃત્યુ પછી ગુલબદન બાનો બેગમનું બાળપણ હુમાયુની દેખરેખમાં પસાર થયું. એવું કહેવાય છે કે તેને અભ્યાસનો ખૂબ શોખ હતો. ગુલબદન બાનો બેગમે ફારસી અને તુર્કી ભાષામાં કવિતાઓ પણ લખી હતી.


કહેવાય છે કે, બાદશાહ અકબરે પોતાની કાકી ગુલબદન બાનો બેગમને પિતા હુમાયુનું જીવનચરિત્ર લખવા વિનંતી કરી હતી. તેમણે સમ્રાટ અકબરના સૂચન પર હુમાયુ નામા લખ્યું. જેમાં તેમણે માત્ર મુઘલ સામ્રાજ્યની શાસન પ્રણાલી વિશે જ નહીં પરંતુ દૈનિક જીવનનું પણ સારી રીતે વર્ણન કર્યુ છે. તેમણે મુઘલ જનાનખાનાનું ચિત્રણ પણ હુમાયુ નામામાં કર્યુ હતુ.