સર્જિકલ સ્ટ્રાઈકના VIDEO મુદ્દે હવે માયાવતીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?
કેન્દ્રની મોદી સરકાર તરફથી હાલમાં જ જારી કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈકના વીડિયોને લઈને હવે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પણ નિશાન સાધ્યું છે.
લખનઉ: કેન્દ્રની મોદી સરકાર તરફથી હાલમાં જ જારી કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈકના વીડિયોને લઈને હવે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પણ નિશાન સાધ્યું છે. માયાવતીએ આજે કહ્યું કે મોદી સરકાર 2019 પહેલા સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો જારી કરીને દેશની જનતાથી પોતાની નિષ્ફળતાઓ છૂપાવવા માંગે છે. આ વીડિયો જારી કરવો એ અંગેનો એક પ્રયત્ન છે. બસપા પ્રમુખ માયાવતીએ મોદી સરકાર દ્વારા જારી કરાયેલા વીડિયો પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો સરકાર આ વીડિયો દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકનો પુરાવો આપવા માંગતી જ હતી તો જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ તે સમયે જ આ વીડિયો જારી કેમ ન કરાયો?
VIDEO માટે ક્લિક કરો- સર્જિકલ સ્ટ્રાઇકનો સંપૂર્ણ કહાની, ZEE 24 કલાક પર જુઓ Exclusive VIDEO
પત્રકારો સાથે વાતચીતમાં માયાવતીએ કહ્યું કે અમે આપણા જવાનો દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને મારવાની કાર્યવાહીની પ્રશંસા કરીએ છીએ. કોઈએ પણ આ સર્જિકલ સ્ટ્રાઈક પર શક કર્યો નથી કે વડાપ્રધાન મોદી અને તેમની સરકાર પાસે પુરાવો માંગ્યો. એટલે સુધી કે કોઈ આપણા જવાનો ઉપર પણ શક કર્યો નથી. માયાવતીએ ભાજપની સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ સરકાર જીએસટી અને નોટબંધી જેવા મુદ્દાઓ પર પોતાની નિષ્ફળતા છૂપાવવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપ સરકાર આ વીડિયો જારી કરીને તેને રાજકીય મુદ્દો બનાવી રહી છે.
બસપા પ્રમુખે કહ્યું કે ભાજપ સરકારે જ્યારે આ સર્જિકલ સ્ટ્રાઈક થઈ તે સમયે જ આ વીડિયો જારી કરવા જેવો હતો. પરંતુ હવે જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકારે આ વીડિયો જારી કર્યો છે. માયાવતીએ કહ્યું કે દેશની જનતા બેવકૂફ નથી. જનતા સારી પેઠે જાણે છે કે ભાજપ કઈ રીતે રાજકીય ખેલ ખેલી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની જેમ જ ભાજપ પણ દેશના વિકાસ તરફ ધ્યાન આપી રહ્યો નથી. ભાજપ દેશની જનતાના હિતમાં કામ કરી રહ્યો નથી.