નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ એસસી-એસટી એક્ટના વિરોધમાં 6 સપ્ટેમ્બરના રોજ ભારત બંધને લઈને ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે કહ્યું કે એસસી-એસટી એક્ટને લઈને ભાજપનું બેવડું ચરિત્ર સામે આવ્યું છે. ભારત બંધ પર પ્રતિક્રિયા આપતા બસપા સુપ્રીમો માયાવતીએ તેને ભાજપનો 'પોલિટિકલ સ્ટંટ' ગણાવ્યો છે. કોન્ફરન્સને સંબોધિત કરતા તેમણે કહ્યું કે પોતાનો જનાધાર સરકતો જોઈને ભાજપ પડદા પાછળ આ ખેલ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે ફક્ત ભાજપ શાસિત રાજ્યોમાં ગુરુવારે સવર્ણોએ ભારત બંધનું આયોજન કર્યું હતું. દેશના અન્ય કોઈ રાજ્યમાં તેને લઈને કોઈ પ્રકારનો વિરોધ થયો નહીં. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા ભાજપ જાતિઓને વહેંચવા માંગે છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત દરમિયાન સવર્ણ સંગઠનોના ભારત બંધ પર બસપા સુપ્રીમોએ કહ્યું કે ભાજપ જ એસસી એસટી એક્ટને લઈને લોકોમાં ભ્રમ પેદા કરી રહ્યો છે. તેમણે કહ્યું કે મારી સરકાર દરમિયાન એસસી એસટી એક્ટનો દુરઉપયોગ રોકવામાં આવ્યો હતો. અમે આ એક્ટને ખુબ સારી રીતે વાંચ્યો છે. ક્યાંય પણ એસસી-એસટી એક્ટનો દુરઉપયોગ થઈ રહ્યો નથી. તેમણે કહ્યું કે તેમની પાર્ટી સર્વજન હિતાય અને સર્વજન સુખાયની હિતેષી છે. 



બસપા સુપ્રીમોએ પોતાની વાત રજુ કરતા કહ્યું કે તેમની સરકારમાં જ પહેલીવાર સવર્ણોને આર્થિક રીતે અનામત આપવાની માંગ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે મારી સરકારમાં કોઈની સાથે અન્યાય થયો નથી કે એસસી-એસટી એક્ટનો દુરઉપયોગ થયો નથી. 


માયાવતીએ કહ્યું કે કેન્દ્ર સરકારની નીતિઓના કારણે જ સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી રહી છે. કોઈ પણ તૈયારી વગર કરાયેલી નોટબંધી અને જીએસટી લાગુ કરીને કેન્દ્ર સરકારે લોકોને બરબાદ કરી નાખ્યા છે. તેમણે કહ્યું કે ભાજપની નીતિઓ સામાન્ય લોકો માટે નથી. આ દરમિયાન તેમણે લોકોને ચેતવતા કહ્યું કે સર્વધારણને સતર્ક રહેવાની જરૂર છે. અત્રે જણાવવાનું કે 6 સપ્ટેમ્બરના રોજ એસસી/એસટી એક્ટના વિરોધમાં સમગ્ર દેશમાં ભારત બંધ હતું.