નવી દિલ્હીઃ તનુશ્રી દત્તા અને નાના પાટેકરના વિવાદ બાદ જાતિય શોષણ વિરુદ્ધ દેશમાં ફરીથી #Me Too કેમ્પેઈને જોર પકડ્યું છે. તેના અંતર્ગત મહિલાઓ પોતાની સાથે ભૂતકાળમાં થયેલી જાતિય શોષણની ઘટનાઓ અંગે સોશિયલ મીડિયામાં ખુલાસો કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઉદિત રાજે પણ આ કેમ્પેઈન અંગે ટિપ્પણી કરી છે, જેણે વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનએનઆઈ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "કેટલીક મહિલાઓ જાણીજોઈને પુરુષો પર આવો આરોપ લગાવે છે. ત્યાર બાદ તેમની પાસેથી રૂ.2-4 લાખ લઈને અન્ય પુરુષને ફસાવે છે. તેમણે જણાવ્યું કે, એ વાત સ્વીકારું છું કે આ પુરુષનો કુદરતી સ્વભાવ છે, પરંતુ સવાલ એ છે કે શું મહિલાઓ પણ તેમાં નિપુણ નથી? શું તેઓ આ બાબતનો દુરૂપયોગ નથી કરી રહી? તેમણે જણાવ્યું કે, મહિલાઓ દ્વારા આમ કરવાથી પુરુષોની જિંદગી બરબાદ થઈ રહી છે. #Me Too."



ભાજપ સાંસદ ઉદિત રાજે ટ્વીટ કરીને આ કેમ્પેઈન અંગે પોતાની ટિપ્પણી કરી છે. પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેમણે ટ્વીટ કરી છે કે, "#Me Too કેમ્પેઈન જરૂરી છે, પરંતુ કોઈ વ્યક્તિ પર 10 વર્ષ બાદ જાતિય શોષણનો આરોપ લગાવવાનો શો અર્થ છે? આટલા વર્ષો બાદ ઘટનાની સત્યતા કેવી રીતે ચકાસી શકાશે? જે વ્યક્તિ પર ખોટો આરોપ લગાવી દેવાશે, તેની છબીને કેટલું મોટું નુકસાન થશે. આ વિચવારવા જેવી બાબત છે. ખોટી પ્રથાની શરૂઆત છે. #Me Too."



થોડા સમય બાદ તેણે વધુ એક ટ્વીટ કરી અને લખ્યું કે, "આ કેવી રીતે શક્ય છે કે કોઈ 'લિવ ઈન રિલેશન'માં રહેતી યુવતી પોતાના પાર્ટનર પર ક્યારેક 'રેપ'નો આરોપ લગાવીને તેના સામે કેસ દાખલ કરે અને એ વ્યક્તિ જેલમાં જતો રહે. શું આનો હવે બ્લેકમેઈલિંગ માટે ઉપયોગ નથી થઈ રહ્યો?#Me Too."



ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા #Me Too કેમ્પેઈન દ્વારા મહિલાઓ પોતાની સાથે ભૂતકાળમાં થયેલી જાતીય શોષણની ઘટનાઓ અંગે મીડિયામાં ખુલાસો કરી રહી છે. આ કેમ્પેઈન દ્વારા અનેક મહિલાઓએ મનોરંજન અને મીડિયા વિશ્વમાં જાતિય શોષણ સાથે થયેલા પોતાના અનુભવ વર્ણવી રહી છે.