#Me Too : અભિયાન બાદ કેન્દ્ર સરકારનો નિર્ણય, મહિલા ઉત્પીડન કાયદામાં રહેલી ખામીઓ દૂર કરાશેઃ સૂત્ર
સુત્રો અનુસાર સરકાર ટૂંક સમયમાં જ મંત્રીઓની એક સમિતિ બનાવવા અંગે વિચાર કરી રહી છે, જેની અધ્યક્ષતા મંત્રીમંડળના કોઈ વરિષ્ઠ કેબિનેટ મંત્રીને સોંપવામાં આવશે
નવી દિલ્હીઃ #Me Too અભિયાનમાં ઘણા બધા કિસ્સા બહાર આવ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે #Me Too અભિયાન દરમિયાન ઊભા થયેલા સવાલો અને કામકાજના સ્થળે મહિલાઓના ઉત્પીડન અંગેના વર્તમાન કાયદાને ફરીથી ચકાસવામાં આવશે. સાથે જ તેમાં રહેલી ખામીઓ દૂર કરીને નવો કડક કાયદો બનાવાશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સરકાર ટૂંક સમયમાં જ આ અંગે મંત્રીઓની એક સમિતી બનાવવાનો વિચાર કરી રહી છે. એવું કહેવાય છે કે, મંત્રીઓની આ સમિતીની અધ્યક્ષતા મંત્રીમંડળમાંથી જ કોઈ વરિષ્ઠ કેબિનેટ મંત્રીને સોંપવામાં આવશે. સાથે જ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જો મંત્રીઓની સમિતીની રચના થશે તો આ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી દ્વારા કરાઈ રહેલા પ્રયાસોને મોટો ફટકો મનાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર #Me Tooના આરોપોનો નિકાલ કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી બનાવવામાં આવેલી સમિતીને સરકારે અત્યાર સુધી મંજુરી આપી નથી.
સરકાર આ સમિતી બનાવીને આરોપોની તપાસ કરવા અને નવા સુચન આપવા માટે મંત્રીઓની સમિતી પર સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ અગાઉ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે #Me Too અભિયાનમાં બહાર આવેલા યૌન ઉત્પીડનના આરોપો અને મુદ્દાઓને ચકાસવા માટે શુક્રવારે રિટાયર્ડ જજની આગેવાનીમાં કાયદા નિષ્ણાતોની એક સમિતી બનાવવાની જાહેરાત કરી હતી.
ઉલ્લખનીય છે કે, #Me Too અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી એમ.જે. અક્બર પર અનેક યુવતીઓએ જાતીય શોષણના આરોપ લગાવ્યા છે. મી ટુ અભિયાન જોર પકડ્યા બાદ અખબારમાં કામ કરી ચુકેલી 19 મહિલા પત્રકાર પોતાની સાથી કર્મચારી પ્રિયા રમાણીના સમર્થનમાં આવી છે, જેણે કેન્દ્રીય મંત્રી એમ.જે. અક્બર સામે જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.
આ મહિલાઓએ પોતાના હસ્તાક્ષરવાળા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, 'રમાણી પોતાની લડાઈમાં એકલી નથી. અમે માનહાનીના કેસમાં સુનાવણી કરી રહેલી માનનીય અદાલતને આગ્રહ કરીએ છીએ કે અરજીકર્તા દ્વારા અમારામાંથી કેટલાકના જાતીય શોષણના અને અન્ય હસ્તાક્ષરકર્તાઓનાં નિવેદન પર વિચાર કરવામાં આવે જે આ જાતીય શોષણની સાક્ષી હતી.'
એમ.જે. અક્બર સામે નિવેદન પર હસ્તાક્ષર કરનારી પત્રકાર મહિલાઓમાં મીનલ બઘેલ, મનીષા પાંડેય, તુષિતા પટેલ, કણિકા ગેહલોત, સુપર્ણા શર્મા, રમોલા તલવાર બાદામ, હોઈહનુ હૌજેલ, આયેશા ખાન, કુશલરાની ગુલાબ, કનીજા ગજારી, માલવિકા બેનર્જી, એ.ટી. જયંતી, હામિદા પાર્કર, જોનાલી બુરાગૌહેન, મીનાક્ષી કુમાર, સુજાતા દત્તા સચદેવા, રેશમી ચક્રવર્તી, કિરણ મનરાલ અને સંજરી ચેટરજીનો સમાવેશ થાય છે.