#Me Too : હવે CNNની રિપોર્ટરે એમ.જે. અક્બર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો
અમેરિકાની સીએનએનની રિપોર્ટરે એક ટ્વીટમાં લખ્યું છે કે, `મેં કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમની સામે હાથ લંબાવ્યો હતો, ત્યારે 55 વર્ષની ઉંમરની આ વ્યક્તિએ મારા 18 વર્ષના મોઢામાં જીભ ફેરવી હતી.`
નવી દિલ્હીઃ રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી અને પૂર્વ સંપાદક એમ.જે. અક્બર જાતીય શોષણના ગંભીર આરોપો વચ્ચે હવે એક નવી મહિલાએ આરોપ લગાવ્યો છે. હફિંગટન પોસ્ટમાં પ્રકાશિત એક અહેવાલમાં તેણે જણાવ્યું છે કે, 'તેમણે તેમની જીભ મારા મોઢામાં નાખી દીધી હતી.' મેજલી-દ-પાય કેમ્પ નામની આ યુવતી એ સમયે એમજે અક્બરના 'એશિયન એજ' અખબારમાં ઈન્ટર્નશીપ કરવા આવી હતી.
હફ પોસ્ટમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ કેમ્પનો ઈન્ટર્નશિપનો છેલ્લો દિવસ હતો અને તે અખબારમાં કામ કરવાની તક આપવા બદલ એમ.જે. અક્બરનો આભાર વ્યક્ત કરવા તેમની કેબિનમાં ગઈ હતી ત્યારે તેમણે તેણીને બાહુપાશમાં જકડી લઈને ચૂંબન કર્યું હતું.
એ સમયે કેમ્પની ઉંમર 18 વર્ષની હતી, જ્યારે એમ.જે. અક્બર 55 વર્ષના હતા. કેમ્પે જણાવ્યું કે, "તેઓ તેમની ખુરશીમાંથી ઉભા થયા અને હું જે ડેસ્ક પર કામ કરતી હતી ત્યાં આવ્યા હતા. આથી, શિષ્ટાચાર માટે હું ઊભી થઈ અને મેં તેમની સામે હાથ લંબાવ્યો હતો. તેમણે મારા ખભા નીચેથી મને પકડી અને પછી મને તેમના બાહુપાશમાં ખેંચી લીધી અને ત્યાર બાદ મારા મોઢા ઉપર કિસ કરી અને તેમની જીભ મારા મોઢાના અંદર નાખી દીધી હતી, હું માત્ર ઊભી રહી હતી."
કેમ્પે તેની ટ્વીટમાં લખ્યું છે કે, "મેં કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હાથ લંબાવ્યો, એક 55 વર્ષની વ્યક્તિએ તેમની જીભ મારા 18 વર્ષના મોઢામાં ફેરવી દીધી હતી."
હફ પોસ્ટને લખેલા ઈમેલમાં કેમ્પે લખ્યું છે કે, "એમ.જે.અક્બર તેના માતા-પિતાના મિત્ર હતા. તેમણે જે કંઈ કર્યું તે અત્યંત ઘૃણાસ્પદ હતું, તેમણે મારી મર્યાદાઓનો ભંગ કર્યો હતો, મારા અને મારા માતા-પિતાના વિશ્વાસનો ભંગ કર્યો હતો."
ઉલ્લેખનીય છે કે, એમ.જે. અક્બર અત્યારે તેમના આધિકારીક વિદેશ પ્રવાસે નાઈજિરિયા ગયા છે અને રવિવારે તેઓ પરત ફરવાના છે. તેમના ઉપર ઘણી બધી મહિલાઓએ જાતીય શોષણના આરોપો લગાવ્યા છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.
એમ.જે. અક્બરના કૃત્ય અંગે સુષમા સ્વરાજને જ્યારે પુછવામાં આવ્યું તો તેઓ આ સવાલનો જવાબ ટાળી ગયા હતા. કેન્દ્રી મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ અંગે જણાવ્યું કે, "આ મુદ્દે તો જેના ઉપર આરોપો લાગ્યા છે તે વ્યક્તિ જ સારી રીતે જવાબ આપી શકે એમ છે."