રાહુલ ગાંધીની માનસરોવર યાત્રા `સંકટ`માં, વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું મહત્વનું નિવેદન
કર્ણાટક ચૂંટણી સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે ચૂંટણી પૂરી થયા બાદ તેઓ આ વર્ષે કૈલાશ માનસરોવરની યાત્રાએ જવા ઈચ્છે છે.
નવી દિલ્હી: કર્ણાટક ચૂંટણી સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે ચૂંટણી પૂરી થયા બાદ તેઓ આ વર્ષે કૈલાશ માનસરોવરની યાત્રાએ જવા ઈચ્છે છે. પરંતુ એવું લાગે છે કે આ વખતે તેઓ કદાચ આ યાત્રા કરી શકશે નહીં. વિદેશ મંત્રાલય તરફથી તો આ પ્રકારના સંકેતો જ મળ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષની માનસરોવર યાત્રા અંગે તેમની પાર્ટીના આરોપો વચ્ચે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે રાહુલ તરફથી માનસરોવર યાત્રાને લઈને હજુ સુધી કોઈ ઔપચારિક અરજી મળી નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે પત્રકારોને જણાવ્યું કે 'કોઈની માનસરોવરની યાત્રાના માર્ગમાં રોડા નાખવા, એવી અમારી કોઈ ઈચ્છા નથી. અત્યાર સુધી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના અંતર્ગત તિબ્બત સ્વાયત્ત ક્ષેત્રમાં માનસરોવરની યાત્રાને લઈને રાહુલ ગાંધીનો કોઈ ઔપચારિક આગ્રહ મળ્યો નથી.'
વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે માનસરોવરની યાત્રા બે પ્રકારે કરી શકાય છે. જેમાં પહેલો તો એ કે વિદેશ મંત્રાલય તેનું આયોજન કરે છે. આ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. એક લોટરી પ્રણાલી હોય છે અને પારદર્શક રીતે નામની પસંદગી થાય છે. રવીશકુમારે કહ્યું કે રાહુલ ગાંધી તરફથી કોઈ રજિસ્ટ્રેશન થયું નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે બીજી પદ્ધતિ એ છે કે ખાનગી ઓપરેટરના માધ્યમથી યાત્રા કરવી. આ યાત્રા નેપાળના રસ્તે થતી હોય છે અને તે માટે ચીનના વિઝાની જરૂર હોય છે. તે પોતાની રીતે કરવાની હોય છે. તેમણે કહ્યું કે હજુ અમારા પર તેમના (રાહુલ ગાંધી) તરફથી કોઈ સંવાદ આવ્યો નથી. અમારી પાસે કોઈ સંવાદ આવશે ત્યારે નિશ્ચિત રીતે વિચાર કરીશું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી માનસરોવરની યાત્રા પર જવા માંગે છે પરંતુ કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે વિદેશ મંત્રાલય તેમાં રોડા નાખે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે તેઓ કર્ણાટક ચૂંટણી બાદ માનસરોવર યાત્રા પર જશે.