J&K: PM Modi સાથેની બેઠકમાં આ નેતાઓ સામેલ થશે, જાણો શું હશે તેમનો એજન્ડા
પીએમ મોદી સાથે થનારી બેઠક અગાઉ આજે શ્રીનગરમાં ફારૂક અબ્દુલ્લાની અધ્યક્ષતામાં તેમના ઘરે ગુપકાર પાર્ટીઓની બેઠક યોજાઈ.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 24 જૂનના રોજ થનારી પ્રાદેશિક પક્ષોની સર્વપક્ષીય બેઠકમાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી સામેલ થશે.
ફારૂક અબ્દુલ્લાના ઘર પર યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય
પીએમ મોદી સાથે થનારી બેઠક અગાઉ આજે શ્રીનગરમાં ફારૂક અબ્દુલ્લાની અધ્યક્ષતામાં તેમના ઘરે ગુપકાર પાર્ટીઓની બેઠક યોજાઈ. જેમાં મહેબૂબા મુફ્તી સહિત 7 નેતાઓ હાજર રહ્યા. આ બેઠકમાં પીએમ મોદી દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં હાજરી આપવાના વિષય પર ચર્ચા થઈ.
મહેબૂબા મુફ્તીએ ઉઠાવ્યો રાજનૈતિક કેદીઓના છૂટાકારોનો મુદ્દો
પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે 'અમે ડાઈલોગની વિરુદ્ધમાં નથી, પરંતુ અમે જરૂર ઈચ્છીએ છીએ કે કેટલાક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર હોવા જોઈએ. સમગ્ર દેશમાં કોરોના વાયરસ મહામારી દરમિયાન કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરમાં પણ એવું થવું જોઈતું હતું. જમ્મુ અને કાશ્મીરના રાજકીય અને અન્ય કેદીઓનો પણ છૂટકારો થવો જોઈતો હતો.'
UP: ધર્મ પરિવર્તન મામલે યોગી સરકાર આકરા પાણીએ, દોષિતો પર લાગશે NSA, સંપત્તિ પણ જપ્ત થઈ જશે
મહેબૂબાએ વધુમાં કહ્યું કે 'તેમનો જે પણ એજન્ડા હશે, અમે અમારા એજન્ડા તેમની સમક્ષ રજુ કરીશું અને આશા રાખીશું કે અમારા જવાથી ઓછામાં ઓછું એટલું તો થાય કે જેલોમાં કેદ અમારા લોકોનો છૂટકાર થાય. જો છોડી ન શકે તો ઓછામાં ઓછું જમ્મુ અને કાશ્મીર લાવે, જેથી કરીને તેમના પરિવારના લોકો તેમને મળી શકે.'
કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરો- મહેબૂબા
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ગુપકાર ગઠબંધનનો જે એજન્ડા છે તે હેઠળ અમે વાત કરીશું. અમારી પાસેથી જે છીનવી લેવાયું છે, જે ખોટું કરાયું છે તેના પર વાત કરીશું. તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. તેને બહાર કર્યા વગર જમ્મુ કાશ્મીરમાં અમન બહાલ કરી શકાય નહીં. આ સાથે જ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભારત સરકારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે પણ વાત કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube