મહેબુબાની ધમકી, કલમ 370 અને 35A હટાવી તો જમ્મુ કાશ્મીર ભારત સાથે છેડો ફાડી નાખશે
જમ્મુ અને કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ ધમકી આપી છે કે જો કલમ 370 અને 35એ હટાવી તો સારું નહીં થાય.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ ધમકી આપી છે કે જો કલમ 370 અને 35એ હટાવી તો સારું નહીં થાય. તેમણે ધમકી આપી છે કે આવી સ્થિતિમાં ભારત સાથેના સંબંધો જમ્મુ અને કાશ્મીર રાજ્ય ખતમ કરી નાખશે. પૂર્વ મુખ્યમંત્રીએ ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે કલમ 370 અને કલમ 35એ રાજ્યની એક અલગ ઓળખ છે. જેને દરેક સ્થિતિમાં બચાવી રાખવામાં આવશે. મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ પહેલીવાર રાજૌરીની મુલાકાતે આવેલા પીડીપી અધ્યક્ષે કહ્યું કે રાજ્યના હાલાત સામાન્ય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયી બનવું પડશે. જેના માટે પાકિસ્તાન સાથે વાત કરવી જરૂરી છે.
દક્ષિણ એશિયામાં શાંતિ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંવાદ બહાલ કરવાને 'અનિવાર્ય' ગણાવતા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ મંગળવારે અપીલ કરી કે કાશ્મીર ખાતર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં પોતાના સમકક્ષ ઈમરાન ખાન તરફ મિત્રતાનો હાથ આગળ વધારવો જોઈએ.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ( પીડીપી)ના અધ્યક્ષે એ પણ અપીલ કરી કે બંને પાડોશી દેશો વચ્ચે શાંતિની પ્રક્રિયા બહાલ કરવા માટે વડાપ્રધાને દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પગલે ચાલવું જોઈએ.
રાજૌરીમાં એક જનસભાને સંબોધતા પીડીપી અધ્યક્ષે કહ્યું કે દક્ષિણ એશિયામાં શાંતિ ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ સુનિશ્ચિત થશે. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટમાં બંધારણની કલમ 35એ સંબંધિત સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના વકીલ તરફથી કોર્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીની જમ્મુ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)એ આકરી નિંદા કરી. પાર્ટીએ કહ્યું કે રાજ્યપાલ એસપી મલિક એ સુનિશ્ચિત કરે કે પ્રદેશ નિષ્પક્ષતા અને મજબુતાઈથી પોતાનો પક્ષ રજુ કરે.
પીડીપીના મુખ્ય પ્રવક્તા રફી એહમદ મીરે એક નિવેદનમાં કહ્યું કે પીડીપી વારંવાર જમ્મુ અને કાશ્મીરને પ્રપ્ત બંધારણીય શક્તિઓને જાળવી રાખવા અને તેને વધુ સશક્ત બનાવવાનું કહેતી આવી છે. આ મામલે રાજ્યના અધિવક્તાએ જે ટિપ્પણી કરી તેની અમે આકરી ટીકા કરીએ છીએ.
હકીકતમાં એડીશનલ સોલિસિટર જનરલ (એએસજી) તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં જમ્મુ અને કાશ્મીરનો પક્ષ રજુ કરી રહ્યાં છે. ગત અઠવાડિયે કોર્ટમાં મહેતાએ જે વલણ અપનાવ્યું હતું , મીર તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતાં. સુનાવણી દરમિયાન કલમ 35એ, અને અન્ય કેટલાક પહેલુઓ પર ચર્ચાની આવશ્યકતાની દલીલો સાથે સહમતિ વ્યક્ત કરતા એએસજીએ કહ્યું કે "એ વાતથી ઈન્કાર કરી શકાય નહીં કે તેમાં (કલમ 35એ) લૈંગિક ભેદભાવનો પહેલુ સામેલ છે."
કલમ 35 એને 1954માં રાષ્ટ્રપતિના આદેશ (પ્રેસીડેન્શિયલ ઓર્ડર)થી બંધારણમાં સામેલ કરવામાં આવી હતી. જે હેઠળ જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત છે. આ કલમમાં કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર રાજ્યની બહારના કોઈ પણ વ્યક્તિને પ્રદેશમાં અચલ સંપત્તિ ખરીદવાનો હક નથી. આ વ્યવસ્થા પ્રદેશની તે મહિલાને પણ સંપત્તિથી વંચિત કરી નાખે છે જે રાજ્યની બહારની કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. આ જોગવાઈ તેમના વારસદારોને પણ લાગુ થાય છે.