ભાજપના જ મંત્રી સામે મેનકાનો વિરોધ, મંત્રીમંડળમાંથી કાઢી મુકવા કર્યો ફડણવીસને અનુરોધ
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના યવતમાન જિલ્લામાં 'અવની' વાઘણની હત્યાનો મામલો હવે વધુ ગરમ થતો જઈ રહ્યો છે. ગયા શુક્રવારે મહારાષ્ટ્રના એક મંત્રીની સુચના બાદ એક શિકારીએ અવની વાઘણની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ આ મુદ્દે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી તેનો કડક શબ્દોમાં વિરોધ કરી રહ્યા છીએ.
હવે મેનકા ગાંધીએ મહારાષ્ટ્રમાં ભાજપ સરકારના મંત્રી સુધીર મુનગંટીવારને દૂર કરવા માટે મોરચો માંડ્યો છે. આ અગાઉ પણ તેમણે આ ઘટના બાદ મંત્રીની કડક શબ્દોમાં ટીકા કરી હતી. ત્યાર બાદ મુનગંટીવારે જણાવ્યું હતું કે, અવનીને અંતિમ વિકલ્પ તરીકે ગોળી મારવામાં આવી હતી, કેમ કે તેને શાંત કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા હતા અને તેણે વન વિભાગના અધિકારીઓ પર પણ હુમલો કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ હવે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. મેનકાએ લખ્યું છે કે, 'અવીને બચાવી શકાય એમ હતી. જો મહારાષ્ટ્રના વન મંત્રી સુધીર મુનગંટીવારે થોડી સંવેદના અને ધીરજ રાખી હોત તો અવીની હત્યા કરવાનો સમય ન આવતો. જોકે, આવું થયું નથી. મારી તમને વિનંતી છે કે તેમને આ ઘટનામાં દોષી માનીને તાત્કાલિક વન મંત્રી પદેથી દૂર કરવા જોઈએ.'
આ અગાઉ મેનકા ગાંધીએ વાઘણની હત્યા બાબતે મહારાષ્ટ્ર સરકારની નિંદા કરી હતી. અવનીના બે બચ્ચા છે જે હજુ માત્ર 10 મહિનાના છે.
રાલેગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોરાટી જંગલમાં અવનીને અચૂક નિશાનેબાજ અસગર અલીએ ગોળી મારી હતી. અસગર પ્રસિદ્ધ નિશાનેબાજ નવાબ શફઅત અલીના પુત્ર છે.
અવનીના મૃત્યુ અંગે મેનકાએ અસંખ્ય ટ્વીટ કરી છે અને અનેક પક્ષોના વિરોધ બાદ પણ તેની હત્યા કરવાના આદેશ આપવા અંગે મહારાષ્ટ્ર સરકારની કડક શબ્દોમાં નિંદા કરી છે.
તેમણે લખ્યું છે કે, "જે નિર્દયતા સાથે અવનીની યવતમાલમાં હત્યા કરવામાં આવી છે તેનાથી હું ઘણી જ દુખી છું. આ બીજું કંઈ નહીં પરંતુ સીધે-સીધો એક અપરાધિક કેસ છે. અનેક પક્ષોના અનુરોધ બાદ પણ મહારાષ્ટ્રના વન મંત્રી સુધીર મુનગંટીવારે તેને મારવાનો આદેશ આપ્યો હતો."