#Me Too: એમ જે. અકબરનું વિદેશ રાજ્યમંત્રી પદેથી રાજીનામું
#Me Too અભિયાન અંતર્ગત જાતીય શોષણના આરોપો લાગ્યા બાદ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને પૂર્વ સંપાદક એવા એમ.જે. અક્બરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે
નવી દિલ્હીઃ #Me Too અભિયાન અંતર્ગત જાતીય શોષણના આરોપો લાગ્યા બાદ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને પૂર્વ સંપાદક એવા એમ.જે. અક્બરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું મોકલી આપ્યું છે.
એમ.જે. અકબરે તેમના રાજીનામા અંગે આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, 'મેં કોર્ટમાં ન્યાય માટે અરજી કરી છે. મારી સામે જે ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે તેને હું મારી અંગત રીતે લડવા માગું છું. આ કારણે હું મારા પદ પરથી રાજીનામું આપવા માગું છું. '
તેમણે વધુમાં લખ્યું છે કે, 'આથી વિદેશ રાજ્યમંત્રી પદ પરથી હું મારું રાજીનામું આપું છું. મને આ દેશની સેવા કરવા માટે તક આપવા બદલ હું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો આભારી છું.'
ઉલ્લેખનીય છે કે, વિદેશ રાજ્ય મંત્રી એમ.જે. અક્બર પર તેઓ જ્યારે એક અખબારમાં સંપાદક તરીકે કાર્ય કરતા હતા એ સમયે એક મહિલા પત્રકારનું જાતીય શોષણ કરવાના આરોપો લાગ્યા છે. અત્યાર સુધી તેમની સામે 20 મહિલા પત્રકારો જાતીય શોષણના આરોપો લગાવી ચુકી છે.