#Me Too : આરોપોએ અકબરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છેઃ અક્બરના વકીલ
દિલ્હીની કોર્ટમાં ગુરૂવારે થયેલી સુનાવણીમાં એમ.જે. અક્બરના વકીલનો દાવો, હવે પછીની 31 ઓક્ટોબરની સુનાવણીમાં અકબરનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાં ગુરૂવારે એમ.જે. અક્બર દ્વારા પ્રિયા રામાણી પર માનહાનીના દાવાના કેસની સુનાવણી હતી. પ્રિયા રામાણીએ 20 વર્ષ પહેલાં એમ.જે. અક્બર દ્વારા તેનું જાતીય શોષણ થયું હોવા અંગે સૌ પ્રથમ સોશિયલ મીડિયામાં #Me Too અભિયાન અંતર્ગત આરોપ લગાવ્યો હતો.
અકબર તરફથી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલની કોર્ટમાં સિનિયર એડવોકેટ ગીતા લુથરાએ એમ.જે.અક્બર તરફથી દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે, રામાણી દ્વારા કરવામાં આવેલી વિવિધ ટ્વીટ્સ દ્વારા પૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રીની પ્રતિષ્ઠાને ક્યારેય દૂર ન કરી શકાય એવું નુકસાન પહોંચ્યું છે.
આ આરોપોના કારણે અકબરને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે, જે દર્શાવે છે કે તેમની પ્રતિષ્ઠા ખંડિત થઈ છે.
લુથરાએ અકબરની પત્રકાર તરીકેની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું છે. અકબરે 40 વર્ષની પત્રકાર તરીકેની કારકિર્દીમાં જે પ્રતિષ્ઠા મેળવી છે તેને પણ ન પુરી શકાય એવું નુકસાન પહોંચ્યું છે. તેમણે કોર્ટને આ બાબને પણ ધ્યાનમાં લેવા જણાવ્યું છે.
વકીલે જણાવ્યું કે, 'રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં રામાણીની ટ્વીટને લઈને અનેક આર્ટિકલ પ્રકાશિત થયા છે. જ્યાં સુધી રામાણી તેની ટ્વીટને સાબિત ન કરે ત્યાં સુધી તે બદનામી કરનારી રહેશે.'
અકબરે નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાંથી રાજીનામું આપતા તેમની સામે લાગેલા આરોપો અંગે જણાવ્યું હતું કે, 'કોઈ પણ પુરાવા વગરના આરોપો લગાવવા કેટલાક વર્ગમાં વાયરલ ફીવર જેવી બાબત બની ગઈ છે.'
પત્રકાર પ્રિયા રામાણી કે #Me Too અભિયાન હેઠળ સૌ પ્રથમ એમ.જે. અક્બર સામે આરોપો લગાવ્યા હતા તેણે જણાવ્યું કે, સત્ય જ તેનો એકમાત્ર બચાવ છે.